પાલી: રાજસ્થાનના પાલી અને અજમેરની મેયરની ચૂંટણીમાં ભાજપે મોટો ઊલટફેર કર્યો છે. અહીં વધુ બેઠકો હોવા છતાં કોંગ્રેસની હાર થઈ છે અને બંને જગ્યાએ ભાજપના મેયર બનશે. કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ એ રહ્યું કે વધુ બેઠકો હોવા છતાં અન્ય અપક્ષ સભ્યોએ (કોર્પોરેટરોએ) ભાજપને સમર્થન આપી દીધું છે.
પાલીમાં શું થયું?
પાલીમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. ભાજપે રાજસ્થાનની પાલી મહાનગરપાલિકામાં મેયરનું પદ હાંસલ કરી લીધું. તેમને 12 કોર્પોરેટરોનું વધારાનું સમર્થન મળ્યું. મેયર પદની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર નમિતા બુબાકિયાને 33 કોર્પોરેટરોનું સમર્થન મળ્યું, જ્યારે અપક્ષ ઉમેદવાર રાજબાલા હિગાડને 29 વોટ મળ્યા, તેઓ માત્ર ચાર વોટના મામૂલી અંતરથી હારી ગયા હતા. એ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રા જૈનને ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મહાનગરપાલિકામાં 29 ચૂંટાયેલા વોર્ડ કોર્પોરેટરો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાં ક્રોસ-વોટિંગને કારણે મેયર પદ માટે થયેલા અંતિમ મતદાનમાં પાર્ટીને માત્ર ત્રણ વોટ જ મળ્યા હતા. મેયરનું પદ મેળવવામાં ભાજપ માટે વધારાના કોર્પોરેટરોનું સમર્થન નિર્ણાયક સાબિત થયું હતું.
પાલી મહાનગરપાલિકા ચૂંટણીનાં પરિણામો
ચૂંટણી પંચે 14 સપ્ટેમ્બરે પાલી મહાનગરપાલિકા ચૂંટણીના 65 વોર્ડનાં પરિણામો જાહેર કર્યાં હતાં. કોંગ્રેસ 29 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી, જ્યારે ભાજપે 21 વોર્ડ જીત્યા હતા. જોકે અપક્ષ ઉમેદવારોએ 15 બેઠકો જીતી હતી, જેનાથી ચૂંટણી સમીકરણ રસપ્રદ બન્યું હતું.
અજમેરમાં શું રહ્યાં પરિણામો?
સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરેલી કોંગ્રેસ માટે મોટો આંચકો એ રહ્યો કે ભાજપે અજમેર મહાનગરપાલિકામાં મેયરનું પદ હાંસલ કરી લીધું હતું. મેયર ચૂંટણીમાં ભાજપ ઉમેદવારને 43 વોટ મળ્યા, જેમાં તમામ 11 અપક્ષ કોર્પોરેટરોએ પાર્ટીના પક્ષમાં વોટ કર્યો હતો. તમામ 11 અપક્ષ કોર્પોરેટરોએ ભાજપને સમર્થન આપ્યું. કોંગ્રેસને 37 વોટ મળ્યા. આ પરિણામ ત્યારે આવ્યું છે જ્યારે કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીઓમાં સૌથી મોટી પાર્ટી બની હતી. અજમેર મહાનગરપાલિકાના તમામ 80 વોર્ડના પરિણામો 14 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસે 37 વોર્ડ, ભાજપે 32 અને અપક્ષ ઉમેદવારોએ 11 વોર્ડ જીત્યા હતા.




