ભાજપના પ્રવક્તાએ પ્રિયંકા ગાંધી વાડ્રા પર લગાવ્યા ગંભીર આરોપો

નવી દિલ્હીઃ ઉધમ સિંહ નગર જિલ્લાના કિચ્છા વિસ્તારમાં આવેલા એક ફાર્મને લઈને વિવાદ વધ્યો છે. ત્યાં આવેલી ચાર એકરની ખાન ફાર્મ જમીનને લઈને ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વાડ્રા પરિવાર અને ખાસ કરીને પ્રિયંકા ગાંધી વાડ્રા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનો આરોપ છે કે કોંગ્રેસના એક ધારાસભ્ય કેટલાક લોકો સાથે ફાર્મ પર ગયા હતા અને ત્યાં રહેતી વૃદ્ધ મહિલાને જમીન ખાલી કરવાની ધમકી આપી હતી.

પ્રદીપ ભંડારીએ શું આરોપ લગાવ્યો?

પ્રદીપ ભંડારીએ કહ્યું હતું કે સાયરા વાડ્રા, જે પ્રિયંકા વાડ્રાની જેઠાણી છે, તેઓ આ (ખાન ફાર્મ) જમીન પર કબજો કરવાની કોશિશ કરી રહ્યાં છે. આ જમીનનો મામલો સિવિલ વિવાદ હેઠળ છે અને ગાંધી-વાડ્રા પરિવારને સમજાઈ ગયું છે કે કાયદેસર રીતે સાયરા વાડ્રા આ ચાર એકરની જમીન પર કબજો મેળવી શકતા નથી. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કિચ્છાના ધારાસભ્ય અને પ્રિયંકા વાડ્રાના નજીકના મનાતા તિલક રાજ બહેડ ગઈ રાત્રે લગભગ 100 લોકો સાથે આ જમીન પર પહોંચ્યા હતા અને ત્યાં રહેતી 90 વર્ષીય મહિલા નસરિન ખાનને ધમકી આપી હતી કે જો તેઓ જમીન ખાલી નહીં કરે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. આ આરોપ ખુદ નસરિન ખાને લગાવ્યો છે.

નસરિન ખાને શું કહ્યું?

ભાજપના પ્રવક્તાના જણાવ્યા મુજબ નસરિન ખાને આરોપ લગાવતાં કહ્યું હતું કે હું મારા ફાર્મ પર હાજર છું. અહીં કેટલાક કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો આવ્યા છે અને તેઓ મારી જમીનનો કબજો વાડ્રા પરિવારને અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રદીપ ભંડારીએ વધુમાં દાવો કર્યો કે નસરિન ખાને માત્ર સાયરા વાડ્રાનું નહીં, પરંતુ સમગ્ર વાડ્રા પરિવારનું નામ લીધું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે “જ્યારે કોંગ્રેસનો કોઈ નેતા 100થી વધુ કાર્યકરો સાથે કોઈ જમીન પર જાય છે, ત્યારે શું તે માત્ર સાયરા વાડ્રાના કહેવા પર ગયો હશે? શું પ્રિયંકા વાડ્રાએ ધારાસભ્યને ફોન કરીને કોઈ પણ કિંમતે સાયરા વાડ્રાને આ જમીનનો કબજો અપાવવાનો પ્રયાસ કરવા કહ્યું હતું?