રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં વિધાનસભા ઘેરાવ દરમિયાન સોમવારે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભાજપે આજે ઝારખંડ બંધનું આહવાન કર્યું છે. હવે બંધની અસર પણ જોવા મળી રહી છે. રસ્તાઓ પર ભાજપના કાર્યકર્તાઓ ઊતરી આવ્યા છે. હરમુ ચોક પર ટાયર સળગાવીને ભાજપના કાર્યકર્તાઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ હરમુ ચોક પર રસ્તાની વચ્ચે જ બેસી ગયા હતા. જેને કારણે અરગોડા ચોકથી હરમુ ચોક તરફ જતો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. સ્થિતિને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
દેવેન્દ્ર નાથ મહતો હોસ્પિટલમાં દાખલ
ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને છેલ્લા નવ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા JKLM નેતા દેવેન્દ્ર નાથ મહતોની સોમવારે વિરોધ માર્ચ દરમિયાન તબિયત લથડતાં તેમને રાંચી સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્લડ શુગર લેવલમાં ભારે ઘટાડો થતાં ડોક્ટરોએ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું. રાંચી સદર હોસ્પિટલના મેડિકલ ઓફિસર નૈન્સી પ્રિયાએ જણાવ્યું હતું કે તેમની સારવાર ઈમર્જન્સી વોર્ડમાં ચાલી રહી છે. તબિયત ખરાબ હોવા છતાં મહતો વિધાનસભા માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા અને ત્યાર બાદ સ્ટ્રેચર પરથી જ લોકોને સંબોધિત કર્યા હતા. વિધાનસભા નજીક પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર લાઠી, ગોળી અને બંદૂકથી ચલાવી શકાય નહીં. સરકાર લોકોને સંતુષ્ટ રાખીને ચલાવવામાં આવે છે. તેમણે આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કોણ છે દેવેન્દ્ર નાથ મહતો?
દેવેન્દ્ર નાથ મહતો રાંચીના એક નાના ગામના વિદ્યાર્થી નેતા છે. તેમણે રાંચીની ડો. શ્યામા પ્રસાદ મુખર્જી યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. તેમણે બુંડુમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું.
શાંતિ જાળવવાની અપીલ
વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે મુખ્ય મંત્રી હેમંત સોરેને વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે સરકાર તેમની માગો પર ગંભીરતાથી કામ કરી રહી છે. બીજી તરફ, ભાજપે સરકાર પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું છે કે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસના અત્યાચારનો જવાબ જનતા આપશે.




