ચેન્નઈઃ DMK અધ્યક્ષ અને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને શનિવારે મુખ્ય મંત્રી સી. જોસેફ વિજયની સરકાર પર ભાજપની નકલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર AIADMKના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરીને વિરોધ પક્ષને નબળો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સ્ટાલિને આરોપ મૂક્યો કે મુખ્ય મંત્રી AIADMKના ધારાસભ્યોની અંધાધૂંધ ખરીદી કરી રહ્યા છે.
અન્ના અરિવલયમ ખાતે પાર્ટીની મહિલા વિંગની બેઠકને સંબોધતાં તેમણે કહ્યું હતું કે હવે તામિલનાડુના જેઓ મતદારોએ TVKને મત આપ્યો હતો, તેઓ વિચારી રહ્યા છે કે તેમણે આ પાર્ટીને મત શા માટે આપ્યો. રાજ્યમાં ગુનાઓમાં વધારો થયો છે. દરેક સમાચાર ચેનલ પર ગંભીર ગુનાઓના સમાચાર જોવા મળે છે. તાજેતરમાં શ્રીવૈકુંઠમમાં સત્તાધારી પાર્ટીના એક કાર્યકર પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ચૂંટણી પહેલાં TVK અધ્યક્ષે મહિલાઓની સુરક્ષાની વાત કરી હતી અને કહ્યું હતું કે તેમના કાર્યકરો મહિલાઓ અને બાલિકાઓની સુરક્ષા કરશે, પરંતુ હવે તેમના પોતાના કાર્યકરો જ યૌન ગુનાઓમાં સંડોવાયેલા હોવાના સમાચાર આવી રહ્યા છે.
વિજયને પોતાની પાર્ટીના કાર્યકરો પર વિશ્વાસ નથી
DMK અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી દરમિયાન વિજયે કહ્યું હતું કે TVKના કાર્યકરો મહિલાઓની સુરક્ષા કરશે, પરંતુ હવે સ્થિતિ એવી બની ગઈ છે કે મહિલાઓને TVKના કાર્યકરો પાસેથી જ સુરક્ષા આપવાની જરૂર પડી રહી છે. હવે TVK નેતા વિજય AIADMKના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં સામેલ કરી રહ્યા છે. અમને લાગે છે કે તેમને પોતાની પાર્ટીના કાર્યકરો પર વિશ્વાસ નથી, તેથી તેઓ આવું કરી રહ્યા છે. ભાજપ અન્ય રાજ્યોમાં જે કરે છે, એ જ કામ વિજય તામિલનાડુમાં કરી રહ્યા છે.

વિજયની TVK ભાજપની ઝેરોક્સ કોપી છે
તેમણે કહ્યું હતું કે વિજયની TVK ભાજપની ઝેરોક્સ કોપી છે. મતદાનમાં લાગેલી શાહીનું નિશાન પણ હજી સુકાયું નથી અને ધારાસભ્યો રાજીનામું આપી TVKમાં જોડાઈ રહ્યા છે. આ સરકાર શરમજનક છે. આ મુખ્ય મંત્રીને પોતાના પર વિશ્વાસ નથી, તેથી તેઓ એ પાર્ટી (AIADMK)માંથી લોકો તોડી રહ્યા છે જેને તેઓ પહેલાં ‘ખોખલી તાકાત’ કહેતા હતા. હકીકતમાં તેમની પોતાની પાર્ટી જ ‘ખોખલી તાકાત’ છે.






