બલૂચિસ્તાનમાં મસ્તુંગ મિલિટરી કેમ્પ પર હુમલો, 18 પાકિસ્તાની સૈનિકના મોત

પાકિસ્તાન: બલૂચિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રતિબંધિત સંગઠન બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે તેણે મસ્તુંગ (Mastung) જિલ્લામાં સ્થિત પાકિસ્તાની સેનાના એક મિલિટરી કેમ્પને નિશાન બનાવીને ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં 18 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હોવાનો દાવો BLA દ્વારા કરવામાં આવ્યો છે.મસ્તુંગ મિલિટરી કેમ્પ પર ઘાતક હુમલો

મીડિયા રિપોર્ટ્સ અને બલૂચ સંગઠનોના દાવા મુજબ, BLAના લડાકુઓએ મસ્તુંગ વિસ્તારમાં આવેલા સૈન્ય શિબિર પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ભારે ગોળીબાર અને વિસ્ફોટો કરવામાં આવ્યા હતા, જેના કારણે સુરક્ષાદળોને મોટું નુકસાન પહોંચ્યું છે. સંગઠને દાવો કર્યો છે કે આ હુમલામાં પાકિસ્તાની સેનાના ૧૮ જવાનના મોત થયા છે અને અનેક વાહનો તેમજ મિલિટરી માળખાને પણ નષ્ટ કરવામાં આવ્યું છે.

બલૂચિસ્તાનમાં વધતો તણાવ

બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલૂચ અલગતાવાદીઓ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. BLA અગાઉ પણ સુરક્ષાદળો પર આ પ્રકારના મોટા હુમલાઓની જવાબદારી સ્વીકારી ચૂકી છે. આ ઘટના બાદ પાકિસ્તાની સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. જો કે, પાકિસ્તાની સૈન્ય તંત્ર દ્વારા આ હુમલા અને જાનહાનિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.