બ્લેક ફ્રાઇડેઃ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી, પરંતુ બાદમાં બજારમાં ભારે વેચવાલીનો માહોલ સર્જાયો હતો. જેથી સેન્સેક્સ 1000થી વધુ પોઇન્ટ તૂટી ગયો જ્યારે નિફ્ટીમાં લગભગ 360 અંકનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકા-ઈરાન ડીલ અંગેની અનિશ્ચિતતા, FII દ્વારા વેચવાલી અને MSCI રિબેલેન્સિંગ જેવાં કારણોસર બજારમાં ભારે દબાણ આવ્યું. આ સિવાય હવામાન વિભાગ (IMD) દ્વારા સામાન્ય કરતાં ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવતાં પણ રોકાણકારોની ચિંતા વધી. ભારત માટે ચોમાસું માત્ર હવામાન નહીં, પરંતુ કૃષિ, ગ્રામીણ માગ અને કંપનીઓની આવક સાથે સીધું જોડાયેલું આર્થિક પરિબળ છે. વરસાદ ઓછો રહે તો ખેતી અને ગ્રામીણ ખર્ચ પર અસર પડી શકે છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. પાંચ લાખ કરોડનો ઘટાડો થયો હતો.

જોકે ભૂ-રાજકીય તણાવમાં ઘટાડાની આશા, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, વૈશ્વિક બજારોમાં તેજી અને રૂપિયાની મજબૂતી જેવાં પરિબળોએ શરૂઆતમાં બજારને ટેકો આપ્યો હતો, પરંતુ બપોર બાદ બજારમાં અચાનક વેચવાલી શરૂ થઈ હતી. ખાસ કરીને છેલ્લા એક કલાકમાં ભારે દબાણ જોવા મળ્યું. જેથી સેન્સેક્સ લગભગ 1279 અંક તૂટી 74,589.11ના નીચલા સ્તરે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 422 અંક લપસી 23,484.75 સુધી ગયો હતો. જોકે અંતે સેન્સેક્સ 1092.06 અંકના ઘટાડા સાથે 74,775.74 પર અને નિફ્ટી 359.40 અંક તૂટી 23,547.75 પર બંધ થયો હતો.

બજારમાં વેચવાલી પાછળ પ્રોફિટ બુકિંગ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. છેલ્લા બે દિવસની તેજી બાદ રોકાણકારોએ ઊંચા સ્તરે નફો બુક કરવાનું શરૂ કર્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) પણ સતત વેચવાલી કરી રહ્યા છે. 27 મેનાએટ્રેડિંગ સેશનમાં તેમણે રૂ. 1042.70 કરોડના શેર વેચ્યા હતા.

MSCI રિબેલેન્સિંગથી વધ્યું દબાણ

બપોરે 3 વાગ્યા પછી બજારમાં વધુ મોટો ઝટકો MSCI રિબેલેન્સિંગને કારણે આવ્યો. MSCI વિશ્વના સૌથી મોટા ગ્લોબલ ઇન્ડેક્સોમાંનો એક છે અને તેને આધારે હજારો કરોડ ડોલરના ફંડ્સ પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરે છે. બીજી તરફ 13 નિફ્ટી શેરોમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. નિફ્ટી બેંક ઇન્ડેક્સ 615 અંક ઘટીને 54,239 પર બંધ થયો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 835 અંક તૂટી 61,724 પર પહોંચ્યો હતો. એડવાન્સ-ડિક્લાઇન રેશિયો પણ બજારની નબળાઈ દર્શાવી રહ્યો હતો — એક શેર વધે તેના સામે બે શેર ઘટી રહ્યા હતા.

BSE પર કુલ 4463 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1670 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2599 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 194 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 185 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 75 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 12 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 7 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.