અફઘાનિસ્તાનના કૂનારમાં શાળા નજીક વિસ્ફોટ: ૭ વિદ્યાર્થીના મોત, ૯૭ ઘાયલ

કૂનાર: પૂર્વી અફઘાનિસ્તાનના કૂનાર પ્રાંતમાં શનિવારે એક મિડલ સ્કૂલ પાસે આવેલા મકાનમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત વિદ્યાર્થીઓના મોત થયા છે અને ૯૭ લોકો ઘાયલ થયા છે. સેર વિસ્તારમાં સવારે લગભગ ૧૦ વાગ્યે (ભારતીય સમય મુજબ ૧૦:૩૦ વાગ્યે) આ ઘટના બની હતી, જેના પગલે શૈક્ષણિક સંસ્થા નજીક વિસ્ફોટક સામગ્રી રાખવા અંગે ચિંતા વધી છે.કૂનાર પ્રાંતીય હોસ્પિટલના વડા મૌલા દાદે જણાવ્યું હતું કે આ આંકડા પ્રાથમિક છે અને વધુ વિગતો સામે આવતા મૃતકો તથા ઘાયલોની સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. કૂનારના માહિતી અને સંસ્કૃતિ વિભાગના ડાયરેક્ટર મૌલવી સમી-ઉલ-હકના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટ શાળાની બાજુમાં આવેલા એવા મકાનમાં થયો હતો કે જ્યાં ખાણકામ સાથે સંકળાયેલા લોકોએ ડાયનામાઈટ સંગ્રહિત કર્યું હતું.

વિસ્ફોટક સામગ્રીમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી અને ઘટનાસ્થળે તપાસ ટીમો પહોંચી છે. પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કૂનાર પ્રાંતની આ ઘટના અગાઉ ઓગસ્ટ મહિનામાં કાબુલના એક સ્કૂલ સંકુલ પર થયેલા ગ્રેનેડ હુમલાના મહિનાઓ બાદ બની છે, જેમાં ૯થી ૧૪ વર્ષની વયના ૪૦થી વધુ બાળકો ઘાયલ થયા હતા.