શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાંથી લાપતા થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના મૃતદેહ મળી આવ્યા છે. બંનેના મૃતદેહ ગોળીઓથી છિન્નભિન્ન હાલતમાં મળી આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ચિંતાજનક બાબત એ છે કે બંને જવાનોના હથિયારો પણ ગાયબ છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, કિશ્તવાડ જિલ્લાના દુર્ગમ દચ્છન વિસ્તારમાં બુધવારે બે SPO લાપતા થયા હતા. બંને જવાનો કિયાર ગામમાં આવેલા પોતાના કેમ્પમાંથી ધરના-મરવાહ ખાતે આવેલી સેનાની ચોકી તરફ જવા નીકળ્યા હતા, પરંતુ તેઓ નિર્ધારિત સ્થળે પહોંચ્યા નહોતા.
ત્યારબાદ બંનેના મોબાઇલ ફોન પણ બંધ થઈ ગયા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો હોવાની માહિતી આપી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
બાબી ચંદ અને રશપાલ કુમાર તરીકે થઈ ઓળખ
લાપતા થયેલા બંને SPOની ઓળખ બાબી ચંદ અને રશપાલ કુમાર તરીકે થઈ હતી. બંને સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)માં તૈનાત હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંનેની શોધખોળ માટે આસપાસના વિસ્તારો ઉપરાંત દુર્ગમ પહાડી વિસ્તારો અને ગાઢ જંગલોમાં પણ સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન બંનેના ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવ્યા હતા.
બંને જવાનોના હથિયારો મળી આવ્યા નથી. આથી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
કિશ્તવાડના દૂરના અને ગાઢ જંગલોથી ઘેરાયેલા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીને ખતમ કરવા માટે સુરક્ષા દળો સતત અભિયાન ચલાવી રહ્યા છે.ઉપલબ્ધ આંકડા અનુસાર, વર્ષ 2026માં આતંકવાદી ઘટનાઓ દરમિયાન ચાર આતંકવાદીઓ અને સેનાના એક જવાનનું મોત થયું છે. જ્યારે વર્ષ 2025માં ત્રણ આતંકવાદીઓ અને એક જવાનનાં મોત થયાં હતાં.
તેવી જ રીતે, વર્ષ 2024માં આતંકવાદી ઘટનાઓમાં ત્રણ સુરક્ષાકર્મીઓ અને બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.
કિશ્તવાડમાં બે SPOના મૃતદેહ મળી આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ઘટનામાં કોણ સામેલ છે અને બંને જવાનોની હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.






