ભરૂચઃ રાજ્યના ભરૂચ જિલ્લામાં આવેલી એક દવા ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે ભયંકર વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા બે કર્મચારીઓનાં મોત થયાં છે, જ્યારે 20 અન્ય લોકો ઘાયલ થયા છે, એમ એક અધિકારીએ માહિતી આપી હતી. આ અકસ્માત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC)ના સાયખા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં થયો હતો.
ભરૂચના જિલ્લા અધિકારી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ફેક્ટરીની અંદર આવેલા બોઇલરમાં વિસ્ફોટ થતાં ભયંકર આગ લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસનો આખો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. આ વિસ્ફોટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની સુધી સીમિત ન રહી, પરંતુ આસપાસની 4-5 અન્ય કંપનીઓને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને વહીવટી અધિકારીઓ સાથે ચાર-પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
હાલમાં ઘટનાસ્થળ પર બચાવ અને રાહત કાર્ય ચાલુ છે તેમ જ તલાશી અભિયાન સાથે કાટમાળ હટાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અકસ્માત બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે પ્રશાસન અને GPCB પર ગંભીર આરોપ લગાવ્યા છે. સરપંચે કહ્યું કે આ ખતરનાક કંપની કોઈ પણ પરવાનગી વિના ચાલી રહી હતી, છતાં ન તો GPCB અને ન તો પ્રશાસને તેની દિશામાં ધ્યાન આપ્યું હતું.


