બહુપ્રતિભાશાળી બૉલિવૂડ અભિનેતા પ્રતીક ગાંધીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. અભિનેતાની ફિલ્મ્સનું કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં આંતરરાષ્ટ્રીય મંચ પર સ્ક્રિનિંગ થવા જઈ રહ્યું છે.
પ્રતીક ગાંધીએ થિયેટરથી લઈ બૉલિવૂડ સુધી સફળ સફર ખેડી છે. હવે તેમની આ સફર આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે. અભિનેતાની ‘ગાંધી’સીરિઝ અને ‘ફુલે’ તથા ‘ઘમાસાન ‘, એમ ત્રણ પ્રોજેક્ટનું કેનેડા અને યુનાઈટેડ સ્ટેટ્સમાં આયોજિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ થવાનું છે. હંસલ મહેતા દ્વારા નિર્દેશિત બાયોપિક ‘ગાંધી’માં પ્રતીકગાંધીએ ગાંધીજીનું પાત્ર ભજવ્યું છે. જેનું ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) ખાતે પ્રીમિયર થશે. આ પ્રસંગે પ્રતીકની પત્ની અને અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી,જેમણે સીરિઝમાં કસ્તુરબા ગાંધીનું પાત્ર ભજવ્ય્ં છે, તે પણ પ્રીમિયરમાં હાજર રહેશે. મહાત્મા અને કસ્તુરબા તરીકેની તેમની ઓન-સ્ક્રીન જોડી વાર્તામાં એક અલગ છાપ છોડી જાય છે અને હવે સાથે મળીને તેઓ વૈશ્વિક મંચ પર પ્રોજેક્ટનું પ્રતિનિધિત્વ કરશે.
પ્રતીક ગાંધી આ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. TIFF પછી પ્રતીક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલ ઓફ આલ્બર્ટા (IFFA) 2025 માટે કેલગરી જશે, જ્યાં 14 સપ્ટેમ્બરના રોજ તેમની વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ ફુલેનું સ્ક્રીનિંગ થશે. આ ફિલ્મમાં, પ્રતીક સમાજ સુધારક જ્યોતિરાવ ફૂલેની ભૂમિકામાં જોવા મળ્યા હતાં. આ આંતરરાષ્ટ્રીય પ્રવાસના અંતે પ્રતીક યુનાઇટેડ સ્ટેટ્સ જશે, જ્યાં 20 સપ્ટેમ્બરના રોજ શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (CSAFF) માં ‘ઘમાસન’ પ્રદર્શિત કરવામાં આવશે.
પોતાના આંતરરાષ્ટ્રીય પ્રવાસ અંગે પ્રતીક ગાંધીએ કહ્યું કે “મારા કામને ખંડોમાં પ્રવાસ કરતા જોવું એ એક અદ્ભુત સન્માનની વાત છે. ગાંધી અને ફૂલે, કારણ કે વાર્તાઓ આપણા ઇતિહાસ અને સમાજમાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવે છે, છતાં તેમના વિષયો સાર્વત્રિક રીતે જોડાયેલા છે. બીજી બાજુ ‘ઘમાસાન’ પણ એટલી જ ઊંડી અને હ્રદયસ્પર્શી વાર્તા છે. હું આ વાર્તાઓ કેનેડા અને યુએસના પ્રેક્ષકો સાથે શેર કરવા અને તે સંસ્કૃતિઓમાં કેવી રીતે પડઘો પાડે છે તે જોવા માટે ખરેખર ઉત્સાહિત છું.”
