રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને ડામવા માટે કરવામાં આવેલી કડક સુરક્ષા તૈનાતી અને વ્યાપક અટકાયતોની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક અગ્રણી કલાકારો અને નિર્માતાઓએ આકરા શબ્દોમાં ટીકા કરી છે. સીજેપી દ્વારા ચૂંટણી પંચના ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રોગ્રામમાં કથિત ગડબડીઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી. પ્રદર્શન સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહેલા CJP ના પ્રમુખ નેતાઓ—અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા ઉપરાંત સેંકડો કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને પત્રકારોની પણ સેન્ટ્રલ દિલ્હીમાંથી પોલીસે અટકાયત કરી લીધી હતી. આ કાર્યવાહી બાદ ફિલ્મ જગતના અનેક સેલેબ્સ સોશિયલ મીડિયા પર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.

પ્રકાશ રાજનો આકરો પ્રહાર: તમે નાગરિકોના વિરોધથી ક્યાં સુધી ભાગશો?
એક્ટર અને એકટિવિસ્ટ પ્રકાશ રાજે પોતાના X (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ પર કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યનું એક કાર્ટૂન શેર કરતાં લખ્યું કે, “તમે નાગરિકોના વિરોધથી ક્યાં સુધી ભાગશો? #justasking”. આ સિવાય તેમણે એક વીડિયો જારી કરીને ફ્લાઈટની અંદરથી સીજેપી નેતાઓની કસ્ટડી પર સવાલ ઉઠાવ્યા હતા. પ્રકાશ રાજે કહ્યું કે, “યુવાનોને ફ્લાઈટ અને ઘરોમાંથી કસ્ટડીમાં લેવા અને પ્રદર્શન સ્થળ સુધી પણ ન પહોંચવા દેવા? આ કેવો હંગામો છે? તમે અમારી અવાજને ગિરેફ્તાર નથી કરી શક્યા, પણ તમે તમારી જાતને જ કસ્ટડીમાં લઈ લીધી છે. આ દેશ તમને લોકશાહીનો અંત કરવા નહીં દે. ગેમ ઓન! દેશ બધું જોઈ રહ્યો છે.” આ અગાઉ તેમણે પોતાની હિટ ફિલ્મ ‘સિંઘમ’ ના વિલન જયકાંત શિકરેના ડાયલોગનો સંદર્ભ આપીને પણ વિરોધ નોંધાવ્યો હતો.

અનુરાગ કશ્યપની તીખી ટિપ્પણી: “બે ડરપોક, 40,000 ગુલામ અને લાખો બહાદુર
જાણીતા ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે શનિવારે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સખત શબ્દોમાં લખ્યું, બે ડરપોક, 40,000 ગુલામ, લાખો બહાદુર.” આ સિવાય એક અલગ પોસ્ટમાં તેમણે ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના પ્રેસિડેન્ટ નેહા બોરાને લાઈવ ફોલો કરવાની અપીલ કરી હતી. નેહાએ સેંકડો સભ્યો સાથે દિલ્હી હાટ ખાતે પ્રદર્શન શરૂ કર્યું હતું, જોકે બાદમાં તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.
વિશાલ દદલાની અને અપૂર્વ અસરાનીનો આક્રોશ
ફિલ્મમેકર અને એડિટર અપૂર્વ અસરાનીએ 10 October ના રોજ અભિજીત દીપકે, રત્ના સિંહ અને ધ્રુવ રાઠીની અટકાયત અંગે લખ્યું, “મને કહો કે આ તાનાશાહી નથી? આ લોકશાહીનો અંત છે. ગાયક અને સંગીતકાર વિશાલ દદલાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું, “આ સમયે આખી દુનિયા જોઈ રહી છે કે સિસ્ટમ એક જ વ્યક્તિને બચાવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. 23 બટાલિયન બોલાવી લેવામાં આવી છે, ટ્રેનો અને મેટ્રો રદ કરી દેવાઈ છે અને આખું શહેર ઠપ કરી દેવાયું છે. માત્ર એક વ્યક્તિ માટે જો આખી સિસ્ટમને તોડી-મરોડી દેવામાં આવતી હોય તો વિચાર કરો કે સિસ્ટમ માટે તે વ્યક્તિ કેટલી મહત્વની હશે.”




