પરિસીમન બિલ પર શું બોલ્યા જાવેદ અખ્તર?

પરિસીમન બિલ(સીમાંકન બિલ)ને લઈને હાલમાં રાજકીય ચર્ચા તેજ બની છે. આ મુદ્દે હવે જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પરિસીમનની પ્રક્રિયા અને તેના આધારે બેઠકોની ફાળવણીને લઈને કેટલાક સવાલો ઉઠાવ્યા છે. જાવેદ અખ્તરનું કહેવું છે કે જે વિસ્તારોમાં પરિવાર નિયોજનને પ્રાથમિકતા આપવામાં આવી છે, તેમને ઓછી બેઠકો મળી રહી છે, જ્યારે પરિવાર નિયોજનને પ્રાથમિકતા ન આપનારા વિસ્તારોને વધુ બેઠકો આપવાની વાત થઈ રહી છે. તેમણે આ વ્યવસ્થાથી કેવું સંતુલન જળવાશે તેવો સવાલ પણ કર્યો છે.

પરિસીમન બિલ અંગે શું બોલ્યા જાવેદ અખ્તર?

પરિસીમન બિલ અંગે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું કે, “સૌથી પહેલાં તો હજુ સુધી તેની અંતિમ યોજના સામે આવી નથી. આ પ્રક્રિયા કેવી રીતે લાગુ કરવામાં આવશે, શું નવા ચૂંટણી ક્ષેત્રો બનાવવામાં આવશે, તેના માટે કયા માપદંડો ધ્યાનમાં લેવામાં આવશે અને દેશને અલગ-અલગ ચૂંટણી ક્ષેત્રોમાં કેવી રીતે વહેંચવામાં આવશે, તે અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી.”

તેમણે વધુમાં કહ્યું કે, “મને એક વાત થોડી વિચિત્ર લાગે છે કે જે વિસ્તારોમાં પરિવાર નિયોજનને પ્રાથમિકતા આપવામાં આવી નથી, તેમને વધુ બેઠકો આપવામાં આવી રહી છે. જ્યારે જે વિસ્તારોમાં પરિવાર નિયોજનનું પાલન કરવામાં આવ્યું છે, તેમને ઓછી બેઠકો મળી રહી છે. આના કારણે કેવું સંતુલન જળવાશે?”

જાવેદ અખ્તરે જણાવ્યું કે, આ અંગેની સંપૂર્ણ માહિતી સામે આવ્યા બાદ જ તેઓ આ મુદ્દે વિચારણા કરશે. સાથે જ સરકાર ઉપરાંત વિપક્ષના કયા સભ્યો આ પ્રસ્તાવનું સમર્થન કરે છે અને કોણ તેનો વિરોધ કરે છે તે પણ જોવામાં આવશે.

શું છે પરિસીમન બિલ?

પરિસીમનનો અર્થ લોકસભા અને વિધાનસભાની બેઠકોની સીમાઓ નક્કી કરવી અને જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરવો થાય છે. સરળ ભાષામાં સમજીએ તો દેશના અલગ-અલગ વિસ્તારોમાં વસ્તી વધતી કે ઘટતી રહે છે. આવી સ્થિતિમાં કયા વિસ્તારને કેટલી ચૂંટણીલક્ષી બેઠકો ફાળવવી અને તે બેઠકોની સીમાઓ ક્યાં સુધી રાખવી તે નક્કી કરવું જરૂરી બને છે.

આ સમગ્ર પ્રક્રિયાને પરિસીમન (Delimitation) કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા વસ્તીના પ્રમાણ અને નિર્ધારિત માપદંડોના આધારે ચૂંટણી ક્ષેત્રોની સીમાઓ તથા બેઠકોની ફાળવણી નક્કી કરવામાં આવે છે.