ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શુક્રવારે જુમાની નમાજ દરમિયાન એક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાની આશંકા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઇસ્લામાબાદ પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘાયલોને ઇસ્લામાબાદના પોલિક્લિનિક, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PIMS) અને CDA હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
rઆ હુમલો ઉઝ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવની બે દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન થયો છે.
24 લોકોનાં મોત
રાજધાનીના શહજાદ ટાઉન વિસ્તારમાં આવેલા તારલાઈ ઇમામબાડામાં સ્થિત ઇમામબારગાહ ખદીજાત-ઉલ-કુબ્રામાં વિસ્ફોટ થયો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો જુમાની નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે આ વિસ્ફોટ થયો. તેમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયા છે અને 101 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
વિસ્ફોટ કેવી રીતે થયો?
ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરી પોલીસના પ્રવક્તા તાકી જવાદે જણાવ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ શું છે તે અંગે હાલ કંઈ કહેવું વહેલું રહેશે. ફોરેન્સિક ટીમો તપાસ કરશે કે આ આત્મઘાતી હુમલો હતો કે મૂકવામાં આવેલો બોમ્બ હતો. જોકે કેટલીક અન્ય મીડિયા રિપોર્ટ્સમાં તેને આત્મઘાતી હુમલો ગણાવવામાં આવ્યો છે.
મંત્રીએ તેને આતંકી હુમલો ગણાવ્યો
પાકિસ્તાનના સંસદીય મામલાઓના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ X (પૂર્વે ટ્વિટર) પર પોસ્ટ કરીને આ હુમલાની આકરી નિંદા કરી અને તેને કાયરતાપૂર્ણ હરકત ગણાવી. તેમણે જાનહાનિ બદલ દુઃખ વ્યક્ત કર્યું અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવી તેમ જ ઘાયલોને જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.
اسلام آباد کے علاقے ترلائی میں ہونے والے افسوسناک دھماکے کی شدید الفاظ میں مذمت کرتا ہوں۔ اس بزدلانہ کارروائی میں قیمتی جانوں کے ضیاع پر دل انتہائی رنجیدہ ہے۔ شہداء کے لواحقین کے ساتھ دلی ہمدردی اور تعزیت کا اظہار کرتا ہوں اور زخمیوں کی جلد صحتیابی کے لیے دعاگو ہوں۔
دہشتگردی کے…
— Dr. Tariq Fazal Ch. (@DrTariqFazal) February 6, 2026
તેમણે આગળ કહ્યું: “આવી આતંકવાદી ઘટનાઓ દેશનું મનોબળ ઘટાડીને શકતી નથી. આ સમયે આપણે સૌએ શાંતિ, સહનશીલતા અને સ્થિરતા માટે એકજુટ રહેવાની જરૂર છે અને કાયદો અમલ કરાવતી એજન્સીઓ સાથે એકતા દર્શાવવી જોઈએ. અલ્લા આપણા વતનને દરેક પ્રકારની બુરાઈ અને આતંકવાદથી સુરક્ષિત રાખે.


