મુંબઈના મેયર રિતુ તાવડેને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે જેમાં અમિતાભ બચ્ચનના ઘર ‘જલસા’ અને દિલજીત દોસાંજના કોન્સર્ટના સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

મુંબઈના મેયર રિતુ તાવડેને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં અભિનેતા અમિતાભ બચ્ચનના ઘર અને ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટ સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ અને મુંબઈ પોલીસને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુખ્યાલયમાં મેયરના કાર્યાલયની સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઈમેલ ડેપ્યુટી મેયર સંજય ઘડીને પણ મોકલવામાં આવ્યો હતો.
મુંબઈમાં અનેક સ્થળોએ બોમ્બ વિસ્ફોટની ધમકીઓ
અધિકારીએ જણાવ્યું કે મેયરને મળેલા ઈમેલમાં 31 ઓક્ટોબરે એક શાળા પર ગ્રેનેડ હુમલો થવાની ચેતવણી આપવામાં આવી હતી. 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર દરમિયાન સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત નિવાસસ્થાન, જલસાને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે ધમકી બાદ, સુરક્ષા એજન્સીઓએ સંદેશની સત્યતા, તેના મૂળ અને મોકલનારની ઓળખ ચકાસવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે.
‘ખાલિસ્તાન’નો ઉલ્લેખ કરતા ઈમેલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 27 નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સ વિસ્તારમાં યોજાનાર ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટ દરમિયાન હુમલો થશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે, મેયર ઓફિસ, મહાલક્ષ્મી રેસકોર્સ, શહેરની મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ અને ઈમેલમાં ઉલ્લેખિત તમામ સ્થળોએ સુરક્ષા અને દેખરેખમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.






