‘લીવ ઇન્ડિયા’ નોટિસ મામલે હાઇકોર્ટની ટકોર બાદ અભિનેતાએ માંગી માફી

મુંબઈ: બોમ્બે હાઇકોર્ટે અભિનેતા ઇમરાન ખાનને વિદેશી નાગરિક હોવા છતાં મુંબઈમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ભારે ફિટકાર વરસાવી છે. યુએસ (US) નાગરિક અને ઓસીઆઈ (OCI) કાર્ડ ધારક ઇમરાન ખાન સામે એફઆરઆરઓ (FRRO) દ્વારા ‘લીવ ઇન્ડિયા’ (દેશ છોડવાની) નોટિસ આપવામાં આવી હતી, જેને તેણે હાઇકોર્ટમાં પડકારી હતી.ચીફ જસ્ટિસ એમ.સી. ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેથનાની ખંડપીઠે સુનાવણી દરમિયાન સખત શબ્દોમાં ટાંક્યું હતું કે, “જરા કલ્પના કરો કે જો કોઈ ભારતીય નાગરિક અમેરિકામાં જઈને આવા વિરોધ પ્રદર્શનો કરે તો ત્યાંનું તંત્ર શું પગલાં લે?” કોર્ટે સ્પષ્ટ કર્યું કે OCI કાર્ડ ધારકો પાસે ભારતીય નાગરિકો જેવાં પૂરાં અધિકારો હોતા નથી અને તેઓ સ્થાનિક રાજકીય પ્રદર્શનોમાં સામેલ થઈ શકે નહીં. કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે દાયકાઓથી ભારતમાં રહેતા હોવા છતાં તેમણે કેમ ભારતીય નાગરિકતા સ્વીકારી નથી?

કોર્ટના આકરા રૂખ બાદ ઇમરાન ખાનના વકીલે સ્પષ્ટતા કરી હતી કે અભિનેતા આ મામલે બિનશરતી માફી માંગવા તૈયાર છે. કોર્ટે બિનશરતી માફી અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાની લેખિત ખાતરી સ્વીકારતા ઇમરાન ખાનને રાહત આપી છે અને ‘લીવ ઇન્ડિયા’ નોટિસ પરનો સ્ટે આગામી ૭ ડિસેમ્બર સુધી લંબાવ્યો છે.