મુંબઈમાં વધતા પ્રદૂષણ પર હાઈકોર્ટ લાલઘૂમ

મુંબઈઃ મુંબઈમાં વધતા હવા અને ધ્વનિ પ્રદૂષણને લઈને બોમ્બે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. અદાલતે ચિંતા વ્યક્ત કરી છે કે દરિયાકિનારે વસેલું શહેર અને ખુલ્લી જગ્યાઓ હોવા છતાં મુંબઈની હવા દિલ્હી કરતાં પણ વધુ પ્રદૂષિત બની રહી છે. છેલ્લા બે મહિનામાં હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) અને અન્ય નાગરિક સંસ્થાઓને પ્રદૂષણ અટકાવવા માટે અનેક આકરા નિર્દેશો આપ્યા છે. તેમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખા વર્ષ દરમિયાન પ્રતિબંધ, બાંધકામ સ્થળોએ અવાજનું નિરીક્ષણ અને તહેવારો દરમિયાન તેજ લેસર લાઇટના ઉપયોગ પર પ્રતિબંધ જેવા આદેશો સામેલ છે.

મુંબઈની હવા દિલ્હી કરતાં પણ ખરાબ

21 ઓક્ટોબરે જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોખલેની બેન્ચે મુંબઈમાં વધતા પ્રદૂષણ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. અદાલતે કહ્યું હતું કે દરિયાઈ પવનો અને ખુલ્લી જગ્યાઓ હોવા છતાં મુંબઈ પ્રદૂષણને મામલે દિલ્હીથી પણ આગળ નીકળી રહ્યું છે, તે ચોંકાવનારી બાબત છે.

રસ્તાઓની ધૂળને ગંભીર કટોકટી ગણાવી

હાઈકોર્ટ દ્વારા જણાવાયું હતું કે હાઈવેની બાજુમાં આવેલા કાચા રસ્તાઓ પરથી વાહનો પસાર થતાં મોટા પ્રમાણમાં ધૂળ ઊડે છે. આ સ્થિતિને સમગ્ર મુંબઈ મહાનગર ક્ષેત્ર માટે ગંભીર કટોકટી ગણાવવામાં આવી હતી. આ ઉપરાંત, કોઈપણ બિલ્ડરને તોડફોડ અથવા રિડેવલપમેન્ટની મંજૂરી ત્યાં સુધી ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જ્યાં સુધી તે બાંધકામ અને તોડફોડમાંથી નીકળતા કચરાના નિકાલની સંપૂર્ણ યોજના રજૂ ન કરે.

જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખા વર્ષ માટે પ્રતિબંધ

મુંબઈમાં ફટાકડાંથી થતા પ્રદૂષણ અંગે પણ બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. 22 સપ્ટેમ્બરે ગણેશોત્સવ અને 15 ઓક્ટોબરે દિવાળી પહેલાં જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણીની બેન્ચે મહારાષ્ટ્રમાં તહેવારો દરમિયાન જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ પ્રતિબંધ આખા વર્ષ દરમિયાન લાગુ રહેશે.