બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય મોત મામલે બોમ્બે હાઈકોર્ટે બુધવારે મોટો અને મહત્વનો ચૂકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે આ સમગ્ર કેસની તપાસ દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન)ને સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સીબીઆઈને નિર્દેશ આપ્યા છે કે તેઓ દિશા સાલિયાન કેસમાં તાત્કાલિક એફઆઈઆર (FIR) દાખલ કરે અને કોઈ અનુભવી તથા સિનિયર અધિકારીની દેખરેખ હેઠળ નિષ્પક્ષ તપાસ શરૂ કરે.

શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઈમારતના 14મા માળેથી નીચે પટકાતાં દિશા સાલિયાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. મુંબઈ પોલીસની તપાસમાં તેને અકસ્માત કે આત્મહત્યા ગણાવવામાં આવી હતી. જોકે, દિશાના પિતા સતીશ સાલિયાન આ તપાસથી અસંતૃપ્ત હતા અને તેમણે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમણે પોતાની પુત્રી સાથે ગંભીર ગુનો આચરીને તેની હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આરોપો લગાવ્યા હતા અને યોગ્ય તપાસ માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

કોર્ટે આપ્યા કડક નિર્દેશો
સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તપાસ એજન્સી પૂરતા પુરાવા ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ગુનેગાર કે આરોપી માની શકે નહીં. જો તપાસ દરમિયાન કોઈ સંજ્ઞેય ગુનો સાબિત થાય તો સીબીઆઈએ વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. બીજી તરફ, જો તપાસમાં કોઈ ગુનો ન બને તો કાયદાકીય પ્રક્રિયા મુજબ ક્લોઝર રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે, જેની સામે પિતાને વિરોધ અરજી (Protest Petition) દાખલ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે.
રાજકીય ગરમાવો અને દલીલો
સુનાવણી દરમિયાન પિતા પક્ષના વકીલે મુંબઈ પોલીસની કામગીરી અને પિએમ (Post Mortem) રિપોર્ટ મોડો મળવા અંગે સવાલો ઉઠાવ્યા હતા. સામે પક્ષે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસે રજૂઆત કરી હતી કે અત્યાર સુધી કોઈ કાનૂની આધારો અથવા નક્કર પુરાવા મળ્યા નથી. આ કેસમાં શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેના વકીલે પણ અરજીનો વિરોધ કરીને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી, જ્યારે ભાજપના નેતાઓએ આ કોર્ટના આદેશને ન્યાયની દિશામાં મોટું પગલું ગણાવ્યું છે.




