મુંબઈ: અજિત પવારના નિધન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે હવે બંને NCPનો વિલય થશે કે નહીં? સૂત્રોના જણાવ્યાનુસાર હાલ બંને NCPના વિલયને લઈને મતભેદ છે. અજિત પવાર જૂથના નેતાઓમાં વિલય અંગે અલગ-અલગ મતમતાંતર છે. જોકે સૌનું માનવું છે કે વિલયની પ્રક્રિયામાં સુનેત્રા પવારની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે. આ વચ્ચે એક પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે અજિત પવારને સ્થાને મંત્રીમંડળમાં NCP તરફથી કોણ હશે?
વિલયના પક્ષમાં કોણ-કોણ?
અજિત પવાર જૂથનું માનવું છે કે રાજકીય લાભ માટે એટલી વહેલી તકે વિલયનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. અજિત પવાર જૂથના નેતાઓ તાત્કાલિક વિલય નથી ઇચ્છતા, જ્યારે શરદ પવાર જૂથમાં આ મુદ્દે ઉતાવળ જોવા મળી રહી છે. શશિકાંત શિંદે, જયંત પાટીલ અને રાજેશ ટોપે વિલયના પક્ષમાં છે, પરંતુ તટકરે, પ્રફુલ્લ પટેલ, મુંડે અને ભુજબળ વિલય અંગે હજુ અસમંજસમાં છે.
NCPના વિલયનો નિર્ણય કોણ લેશે?
કહેવામાં આવી રહ્યું છે કે NCPના ભવિષ્ય અંગે ‘પવાર પરિવાર’નો નિર્ણય અંતિમ રહેશે. બંને NCPના વિલય માટે શરદ પવાર અને સુપ્રિયા સુલે સહિત પરિવારની સંમતિ જરૂરી હશે. વિલયની પ્રક્રિયામાં સુનેત્રા પવારની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે. જોકે પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સુનેત્રા પવારના નામ પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી. આ અમારી પાર્ટીનો આંતરિક મુદ્દો છે.

પ્રફુલ્લ પટેલે કહ્યું, જલદી નિર્ણય લેવો પડશે
મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા બાદ NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે બધા હાલમાં દુઃખમાં છીએ. આજે ત્રીજો દિવસ છે અને તમામ વિધિઓ પૂર્ણ કરવાની છે. પરંતુ અમે મહાયુતિ ગઠબંધનના ભાગીદાર છીએ, તેથી અજિત પવારની જગ્યાએ ડેપ્યુટી સીએમ તરીકે યોગ્ય નિર્ણય જલદીથી લેવો પડશે. એ સાથે જ હું સ્પષ્ટ કરવું છું કે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં અમારે અમારી જનભાવનાનો વિચાર કરવો પડશે. પરિવારને આ દુઃખમાંથી બહાર આવવા માટે થોડો સમય આપવો પડશે. અમે જલદી જ સુનેત્રા પવાર અને પરિવાર સાથે પાર્ટીના આગળનાં પગલાં અંગે વાત કરીશું.




