બ્રહ્માકુમારીઝ દ્વારા ’10 કરોડ નશા મુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા અભિયાન’નો પ્રારંભ

અમદાવાદ: બ્રહ્માકુમારીઝ મહાદેવનગર સેવા કેન્દ્ર દ્વારા “10 કરોડ નશા મુક્તિ જાગૃતિ પ્રતિજ્ઞા અભિયાન”નો શુભારંભ કરવામાં આવ્યો છે. સમાજને નશામુક્ત અને મૂલ્યનિષ્ઠ બનાવવાના ઉમદા હેતુથી આ મહાઅભિયાન અંતર્ગત શાળા-કોલેજો, વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી ચંદ્રિકા બહેને જણાવ્યું હતું કે, વ્યસનમુક્તિ માત્ર દૃઢ સંકલ્પથી જ નહીં પરંતુ મન અને વિચારોના પરિવર્તનથી શક્ય બને છે. રાજયોગ મેડિટેશનના નિયમિત અભ્યાસથી મન સશક્ત બને છે અને લાખો લોકોએ વ્યસનમુક્ત સકારાત્મક જીવન અપનાવ્યું છે.દિલ્હીના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મોહિત ગુપ્તાએ રાજયોગનું મહત્વ સમજાવતા કહ્યું કે, મેડિટેશનથી જીવનમાં સંતુલન આવે છે, પરિવારના સંબંધોમાં મધુરતા વધે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. કાર્યક્રમમાં ડૉ. કોકીલાબેને ઉપસ્થિત તમામ ભાઈ-બહેનોને પોતાના પરિવાર અને સમાજને વ્યસનમુક્ત રાખવા માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.બ્રહ્માકુમારીઝ દ્વારા દેશભરમાં અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ લોકોને નશામુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. આગામી પખવાડિયામાં વધુ 10 કરોડ નાગરિકો સુધી પહોંચીને સંકલ્પબદ્ધ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.