પટનાઃ બિહારના રાજકારણમાં અટકળોનો માહોલ છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સાંસદ અભય કુશવાહાએ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરી છે. અભય કુશવાહા બિહારની ઔરંગાબાદ લોકસભા બેઠકના સાંસદ છે. તેમણે બુધવારે મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટા અને સમાચાર સામે આવ્યા બાદ બિહારનાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે.
મુલાકાત શા માટે થઈ?
મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરી અને ઔરંગાબાદ લોકસભા બેઠકના RJD સાંસદ અભય કુશવાહાની મુલાકાત અંગે મુખ્ય મંત્રી કાર્યાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. સીએમ ઓફિસે તેને સૌજન્ય મુલાકાત ગણાવી છે. આ તરફ RJDના પ્રવક્તા મૃત્યુન્જય તિવારીએ જણાવ્યું કે આ માત્ર એક સૌજન્ય મુલાકાત હતી. તેના કોઈ રાજકીય અર્થ કાઢવા જોઈએ નહીં. સાંસદ અભય કુશવાહા પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ સંબંધિત મુદ્દાઓ લઈને મુખ્ય મંત્રીને મળવા ગયા હતા.
ઘણી પાર્ટીઓમાં થઈ છે ફૂટ
બીજી તરફ,કેટલાક રાજકીય જાણકારો સમ્રાટ ચૌધરી અને અભય કુશવાહાની મુલાકાતને માત્ર સૌજન્ય મુલાકાત માનતા નથી. છેલ્લા કેટલાક સમયથી અનેક વિરોધ પક્ષોમાં ફૂટ જોવા મળી છે. પહેલા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદોએ પક્ષ સામે બળવો કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)ના છ સાંસદો પણ પક્ષથી અલગ થઈ ગયા હતા. એવી ચર્ચા છે કે આ તમામ સાંસદો NDAને સમર્થન આપી શકે છે. સમ્રાટ ચૌધરી અને અભય કુશવાહાની મુલાકાત બાદ બિહારમાં ભવિષ્યનાં રાજકીય સમીકરણોને લઈને અટકળો વધુ તેજ બની ગઈ છે. નોંધનીય છે કે અભય કુશવાહા RJDમાં જોડાયા પહેલાં NDAના ઘટક પક્ષ જનતા દળ (યુનાઇટેડ) [JDU]ના નેતા રહી ચૂક્યા છે.
Patna, Bihar: On RJD MP Abhay Kushwaha meeting Chief Minister Samrat Choudhary, JDU MLA Shyam Rajak says, “Leaders are there to address the state’s issues, so everyone meets them. MPs, as well as ordinary citizens, meet them, and he may have met the Chief Minister to discuss… pic.twitter.com/2zloIsk8xk
— IANS (@ians_india) July 16, 2026
હાલમાં બિહારમાં RJDના કુલ ચાર લોકસભા સાંસદો છે:
- મીસા ભારતી – પાટલીપુત્ર લોકસભા બેઠક
• સુધાકર સિંહ – બક્સર લોકસભા બેઠક
• અભય કુશવાહા – ઔરંગાબાદ લોકસભા બેઠક
• સુરેન્દ્ર પ્રસાદ યાદવ – જહાનાબાદ લોકસભા બેઠક






