ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે આયોજિત બ્રિક્સ સમિટ 2026 (BRICS Summit 2026) માં ચીનના રાષ્ટ્રપતિ શિ જિનપિંગે વૈશ્વિક સમીકરણો અને ‘ગ્લોબલ સાઉથ’ (Global South) ની વધતી ભૂમિકા અંગે અત્યંત મહત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સફળ આયોજન બદલ આભાર માનતાં જિનપિંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે, માત્ર શક્તિશાળી હોવાના કારણે કોઈ દેશ સાચો સાબિત થઈ જતો નથી અને આવી બેવડી નીતિઓ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર નહીં ચાલે.

શિ જિનપિંગના સંબોધનના 5 મુખ્ય અંશ:
1. ‘તાકાતના જોરે સાચા હોવાની માનસિકતા નહીં ચાલે’
જિનપિંગે ટ્રાફિક લાઈટ વગરના ચારરસ્તાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે નિયમો વગરની દુનિયામાં અરાજકતા ફેલાઈ શકે છે. આંતરરાષ્ટ્રીય નિયમો તમામ દેશોએ મળીને ઘડવા જોઈએ અને કોઈ એક દેશ પોતાની તાકાતના જોરે નિયમો લાદી શકે નહીં.
2. UN અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓમાં સુધારાની વકીલાત
તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) માં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જિનપિંગના મતે નાનો કે મોટો, તમામ દેશો સમાન છે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં વિકાસશીલ દેશોનો અવાજ વધુ મજબૂત થવો જોઈએ.

3. માનવ કલ્યાણ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ
ચીને બ્રિક્સ દેશો વચ્ચે ‘BRICS AI ઓપન-સોર્સ કમ્યુનિટી’ બનાવવાની જાહેરાત કરી હતી. જિનપિંગે જણાવ્યું કે નવી ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ માનવજાતના કલ્યાણ અને સામૂહિક સમૃદ્ધિ માટે થવો જોઈએ.
4. બ્રિક્સ સહયોગ મજબૂત કરવા 5 મોટી પહેલ
જિનપિંગે ડિજિટલ ઈન્ડસ્ટ્રી, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ અને સાયન્સ-ટેકનોલોજી ટેલેન્ટ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવાની યોજના રજૂ કરી હતી.
5. ગ્લોબલ સાઉથને સાથે લઈને ચાલવાનો સંદેશ
ચીની રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે ચીને ‘ગ્લોબલ ડેવલપમેન્ટ ઈનિશિયેટિવ’ હેઠળ 2,000 થી વધુ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે, જેનો લાભ 120 થી વધુ દેશોને મળ્યો છે. હવે ગ્લોબલ સાઉથ એકત્રિત થઈને વિશ્વને બહુધ્રુવીય (Multipolar World) બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.




