રાજધાની નવી દિલ્હીના ભવ્ય ‘ભારત મંડપમ’ ખાતે આગામી 12 અને 13 સપ્ટેમ્બરે 18મા બ્રિક્સ (BRICS) શિખર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2006માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન દ્વારા શરૂ કરાયેલા આ સંગઠને સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ કર્યા છે. સમય જતાં દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઈથોપિયા, ઈરાન, યુએઈ, સાઉદી અરેબિયા અને ઈન્ડોનેશિયા જોડાઈ જતાં હવે 11 દેશોનો આ સમૂહ વૈશ્વિક અર્થતંત્રમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યો છે. ભારતે આ વખતની થીમ ”મજબૂતી, ઈનોવેશન, સહયોગ અને સસ્ટેનેબિલિટી માટે નિર્માણ” રાખી છે.

ગ્લોબલ સાઉથનો અવાજ અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની માંગ
ભારત માટે આ સંમેલન માત્ર એક યજમાની નથી, પરંતુ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓને વૈશ્વિક નિર્ણય લેવાની પ્રક્રિયામાં મોટું સ્થાન અપાવવાનો એક પ્રયાસ છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર (UN), આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓમાં તાકીદે સુધારા કરવાની વકાલત કરી રહ્યું છે, જેથી વિકસતા દેશોનું પ્રતિનિધિત્વ વધી શકે.
પશ્ચિમ વિરોધી જૂથ નહીં, પણ સકારાત્મક વિકાસનું મંચ
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે બ્રિક્સને પશ્ચિમી દેશો સામેના કોઈ વિરોધી ગઠબંધન તરીકે રજૂ કરવા માંગતું નથી. તેના બદલે ભારત આ મંચનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપાર, તકનીકી અને કાચા માલના પુરવઠાને સુગમ બનાવવા માટે કરવા માંગે છે. વૈશ્વિક સંઘર્ષો અને પ્રતિબંધો વચ્ચે સપ્લાય ચેઈનમાં આવતા અવરોધોને દૂર કરીને વેપારને વધુ સુરક્ષિત અને પારદર્શી બનાવવાનો નવી દિલ્હીનો ઉદ્દેશ્ય છે.
ડિજિટલ પેમેન્ટ, AI અને આર્થિક ભાગેડુઓ પર કડક વલણ
નાણાકીય ક્ષેત્રે ભારત ક્રોસ-બોર્ડર ડિજિટલ પેમેન્ટ્સ, ફિનટેક અને સ્થાનિક ચલણના વધુ ઉપયોગ પર ભાર મૂકશે. આ ઉપરાંત, AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)ના ક્ષેત્રમાં માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવાને બદલે તેના વૈશ્વિક નિયમો ઘડવામાં બ્રિક્સ દેશોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો ભારતનો પ્લાન છે.સૌથી મહત્વનો મુદ્દો આર્થિક ભાગેડુઓ (Economic Offenders) સામેની કાર્યવાહીનો છે. ભારત બ્રિક્સ દેશો વચ્ચે ગેરકાયદેસર મિલકતોની માહિતી ઝડપથી શેર કરવા અને આર્થિક ગુનેગારોને ઝડપી પાડવા માટે એક ચોક્કસ આંતરરાષ્ટ્રીય માળખું પ્રસ્તાવિત કરશે. સ્વચ્છ ઉર્જા અને ઊર્જા સુરક્ષા પણ આ શિખર પરિષદના મુખ્ય ચર્ચાના વિષયો રહેશે.

