PM મોદીનો માસ્ટરપ્લાન; ગ્લોબલ ગવર્નન્સ રિફોર્મ માટે રજૂ કર્યા 10 મોટા પ્રસ્તાવ

ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે 18મી BRICS શિખર પરિષદનો ભવ્ય પ્રારંભ થયો છે. “બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઈનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી” (BRICS) ની થીમ હેઠળ આયોજિત આ બે દિવસીય સમિટમાં સભ્ય દેશો તેમજ ભાગીદાર રાષ્ટ્રોના વૈશ્વિક નેતાઓ એકમંચ પર ઉપસ્થિત રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિષદને સંબોધિત કરતા “હ્યુમેનિટી ફર્સ્ટ” (માનવતા પ્રથમ) ની ભાવના સાથે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા અને ગ્લોબલ સાઉથના સશક્તિકરણ માટે અનેક મહત્વકાંક્ષી પ્રસ્તાવો રજૂ કર્યા હતા.

ગ્લોબલ સાઉથ હવે ‘રુલ ટેકર’ નહીં પરંતુ ‘રુલ શેપર’ બને

સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે AI, સાયબર સ્પેસ, આઉટર સ્પેસ અને બાયો-ટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજી ભવિષ્યના વૈશ્વિક નિયમો નક્કી કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્લોબલ સાઉથના દેશોની સમાન ભાગીદારી અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે, “ગ્લોબલ સાઉથના દેશો આજે પણ વિવિધ વૈશ્વિક સંકટોમાં સૌથી આગળ હોય છે, પરંતુ નિર્ણયો લેવાની પ્રક્રિયામાં તેમને પાછળ રા દેવાય છે. આ સ્થિતિ બદલવી પડશે અને તેમને માત્ર નિયમો અનુસરનારા નહીં પણ નિયમો ઘડનારા બનાવવાની જરૂર છે.”

ગ્લોબલ ગવર્નન્સ રિફોર્મ માટે 10 મુદ્દાનો પ્રસ્તાવ

વૈશ્વિક સંસ્થાઓના વર્તમાન માળખાને પિરામિડ સાથે સરખાવતા પીએમ મોદીએ જણાવ્યું કે પિરામિડના શિખર પર માત્ર અમુક દેશો પાસે જ સત્તા કેન્દ્રિત છે. તેમણે તમામ બ્રિક્સ દેશોને મળીને ગ્લોબલ ગવર્નન્સ રિફોર્મ માટે 10 પ્રસ્તાવો તૈયાર કરવા અને આગામી સમિટ સુધીમાં ‘બ્રિક્સ રિફોર્મ રોડમેપ’ ઘડી કાઢવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં વોટિંગ પાવર અને નેતૃત્વની ભૂમિકા આજના આર્થિક વાસ્તવિકતા મુજબ પુનઃનિર્ધારિત થવી જોઈએ તેમ પણ ઉમેર્યું હતું.

આગામી 20 વર્ષ માટે નવો અને સંસ્થાકીય રોડમેપ

BRICS ની કામગીરીમાં સાતત્ય જાળવવા માટે પીએમ મોદીએ ‘બ્રિક્સ કમ્યુનિટી કંટીન્યુટી એન્ડ ઈમ્પ્લીમેન્ટેશન મિકેનિઝમ’ રચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેના હેઠળ નિર્ણય પ્રક્રિયા, સમયસીમા અને અમલીકરણ માટે એક સુરક્ષિત ડિજિટલ રિપોઝિટરી બનાવવામાં આવશે. આ સિવાય, દરિયાઈ માર્ગે મુસાફરી કરતા સી-ફેઅરર્સ (Seafarers) માટે ઇમરજન્સી સપોર્ટ નેટવર્ક ઊભું કરવાનો માનવતાવાદી પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.