ગાંધીનગર: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) કોરિડોરના નિર્માણ કાર્યોમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અમદાવાદમાં સાબરમતી નદી પર ૪૮૦ મીટર લાંબા અને આશરે ૩૬ મીટર (૧૨ માળની ઇમારત જેટલી) ઊંચા વિશિષ્ટ પુલનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે આવેલો છે. પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇન તેમજ શહેરના અન્ય ફ્લાયઓવર અને મેટ્રો કોરિડોર પરથી સુરક્ષિત વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા માટે આ પુલના પિયર્સની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે.
બ્રિજની મુખ્ય હાઇલાઇટ્સ અને એન્જિનિયરિંગ
-
સ્પાન અને પિયર્સની રચના: પુલમાં ૬ થી ૬.૫ મીટર વ્યાસ ધરાવતા કુલ ૦૮ સર્ક્યુલર પિયર્સ છે. નદીના પટમાં પિયર્સની સંખ્યા ઘટાડી જળપ્રવાહમાં અવરોધ ન આવે તે માટે ૫૦ થી ૭૬ મીટર સુધીના લાંબા સ્પાન (૭૬ મીટરના ૫ અને ૫૦ મીટરના ૨ સ્પાન) તૈયાર કરવામાં આવ્યા છે.

-
બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ: નદીના વહેણમાં નીચે પરંપરાગત સ્કેફોલ્ડિંગ ઉભું કર્યા વિના ‘બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિ’ (Balanced Cantilever Method)થી પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા ૨૩ સેગમેન્ટ્સ જોડીને આ સુપર-સ્ટ્રક્ચર તૈયાર કરાયું છે.
-
ગુજરાતમાં ૧૮ નદી પુલોનું કાર્ય પૂર્ણ: મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં કુલ ૨૫ નદી પુલોમાંથી ૨૧ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં છે. આ સિદ્ધિ સાથે ગુજરાતના ૨૧ માંથી ૧૮ નદી પુલોનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.

આ પુલનું નિર્માણ પૂર્ણ થવાથી અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન કોરિડોરના મુખ્ય માળખાકીય કાર્યને મોટો વેગ મળ્યો છે.






