મુંબઈઃ BSEની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની BSE ઇન્ડેક્સ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડે દેશનો પ્રથમ ‘BSE સાત્ત્વિક 100 ઇન્ડેક્સ’ લોન્ચ કર્યો છે. આ ઇન્ડેક્સ BSE 500 ઇન્ડેક્સની એવી કંપનીઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે, જે સાત્ત્વિક સિદ્ધાંતો સાથે સુસંગત છે.BSE સાત્ત્વિક 100 ઇન્ડેક્સનું આધાર મૂલ્ય 1000 રાખવામાં આવ્યું છે, જ્યારે તેની પ્રથમ મૂલ્ય તારીખ 20 જૂન, 2005 છે. ઇન્ડેક્સનું પુનર્ગઠન દર વર્ષે જૂન અને ડિસેમ્બરમાં કરવામાં આવશે.
BSE ઇન્ડેક્સ સર્વિસિસના MD અને CEO આશુતોષ સિંહે જણાવ્યું હતું કે આ ઇન્ડેક્સ એવા રોકાણકારોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યો છે, જેઓ પોતાના રોકાણના નિર્ણયો મૂલ્ય આધારિત અને નૈતિક સિદ્ધાંતો સાથે સુસંગત રાખવા ઇચ્છે છે. તેમના જણાવ્યાનુસાર રોકાણકારોની પસંદગી હવે માત્ર નાણાકીય માપદંડો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેમાં નૈતિક, સાંસ્કૃતિક અને તત્ત્વજ્ઞાન આધારિત પાસાં પણ મહત્વ પામી રહ્યાં છે. નવો ઇન્ડેક્સ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, ઇન્ડેક્સ ફંડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ વ્યૂહરચનાઓ, મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ અને ફંડ પોર્ટફોલિયોના બેન્ચમાર્ક તરીકે ઉપયોગી બની શકે છે. BSEને મતે આ ઇન્ડેક્સ રોકાણકારોને નવી તકો ઉપલબ્ધ કરાવશે અને મૂલ્ય આધારિત રોકાણ ઉત્પાદનોના વિકાસ માટે મજબૂત આધાર પૂરો પાડશે.






