BSE સેન્સેક્સ, નિફ્ટી50, નવ મહિનાની ઊંચાઈએ

અમદાવાદઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) શેરોમાં વેચવાલીના દબાણ વચ્ચે વિશ્વભરનાં શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. રિયલ્ટી, ઓટો અને હેલ્થકેર શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના 50માંથી 31 શેરો વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. અપોલો હોસ્પિટલ્સ, એક્સિસ બેંક, મેક્સ હેલ્થ અને HDFC બેંકના શેરોમાં 2થી 5 ટકા સુધીની તેજી નોંધાઈ હતી. જ્યારે ટાઇટન, ટાટા સ્ટીલ અને HUL ટોપ લૂઝર્સ રહ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. એક લાખ કરોડનો વધારો થયો છે.

સતત ચોથા સપ્તાહે શેરબજારમાં તેજી

શુક્રવારે સેન્સેક્સ 898 પોઈન્ટ વધીને 83,920 અને નિફ્ટી 286 પોઈન્ટ વધીને 25,801 પર બંધ થયો હતો. નિફ્ટી અને સેન્સેક્સ લગભગ નવ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. જ્યારે બેંક નિફ્ટી 1572 પોઈન્ટના ઉછાળા સાથે 64,635ના નવા રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. છેલ્લાં ચાર સપ્તાહમાં નિફ્ટી 14 ટકાથી વધુ વધ્યો છે. છેલ્લાં છ વર્ષમાં નિફ્ટીની આ સૌથી મોટી 4 સપ્તાહની તેજી છે. જોકે આ તેજીમાં તમામ શેરોએ સમાન યોગદાન આપ્યું નથી. મોટા શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરો સુસ્ત રહ્યા હતા.

બજાર વિશ્લેષકે જણાવ્યું હતું કે શરૂઆતના કારોબારમાં વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે સંકળાયેલી કંપનીઓના ઊંચા વેલ્યુએશન અંગે વધતી ચિંતાઓને કારણે સ્થાનિક બજાર પર પણ દબાણ જોવા મળ્યું હતું. જોકે શરૂઆતના ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર વાપસી કરી હતી અને તેજીમાં આવી ગયા હતા.

ડોલર સામે રૂપિયો મજબૂત, 7 મહિનાની ઊંચાઈએ

ભારતીય રૂપિયામાં મજબૂતીનો ટ્રેન્ડ યથાવત છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 93ના સ્તરે પહોંચ્યો હતો, જે 20 એપ્રિલ, 2026એ નોંધાયેલા 92.91ના સ્તરની નજીક છે.

બેંક શેરોએ બજારને મોટો ટેકો આપ્યો

શુક્રવારની તેજીમાં બેન્કિંગ શેરોની સૌથી મહત્ત્વની ભૂમિકા રહી હતી. બેંક નિફ્ટી 1572 પોઈન્ટ વધીને 64,635 પર બંધ થયો હતો અને નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. 28 ઓક્ટોબરના તાજેતરના નીચા સ્તરથી આ સૂચકાંક 11,000 પોઈન્ટથી વધુ ઉપર આવી ગયો છે. સરકારી બેંકોના શેરોમાં પણ ખરીદી ચાલુ રહી હતી. નિફ્ટી PSU બેંક સૂચકાંકે નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે તાજેતરના નીચા સ્તરથી લગભગ 2000 પોઈન્ટ ઉપર છે.

મારુતિ અને ઓટો શેરોમાં તેજી કેમ આવી?

ઓટો શેરોમાં તેજીનો ટ્રેન્ડ યથાવત રહ્યો હતો. મારુતિનો શેર આ સપ્તાહે લગભગ 9 ટકા વધ્યો હતો. બજારના આંકડા અનુસાર, કોમોડિટીના ભાવમાં વધુ ઘટાડાથી ઓટો કંપનીઓના શેરોને ટેકો મળ્યો હતો.