બજેટ 2026: હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટની શરૂઆતથી ઘર ખરીદનારાને મળશે મોટો લાભ

નવી દિલ્હીઃ હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટથી હોમ લોન લઈને ઘર ખરીદનાર લોકોને મોટો લાભ થશે. રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા નિષ્ણાતોએ સરકારને યુનિયન બજેટમાં હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ કરવાની સલાહ આપી છે. તેમનું માનવું છે કે આથી હોમ લોનની મંજૂરી (એપ્રુવલ)માં લાગતો સમય ઘણો ઘટશે. પરિણામે ઘરોની માગ વધશે અને હાઉસિંગ સેક્ટરની વૃદ્ધિને વેગ મળશે.

બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી અપેક્ષાઓ

નાણાં મંત્રી નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. તેઓ સતત નવમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટથી રિયલ એસ્ટેટ સેક્ટર, હોમબાયર્સ અને ટેક્સપેયર્સ સહિત દરેક વર્ગને મોટી અપેક્ષાઓ છે. રિયલ એસ્ટેટ સેક્ટરનું માનવું છે કે ઘર ખરીદવાની પ્રક્રિયા સરળ બનશે તો લોકોમાં ઘર ખરીદવાની રુચિ વધશે.

હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટનો અર્થ શો છે

રિયલ એસ્ટેટ સેક્ટરના પ્રતિનિધિઓએ સરકારને હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ કરવાની ભલામણ કરી છે. હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટમાં ગ્રાહકની સંપૂર્ણ નાણાકીય પ્રોફાઇલ હોય છે. તેમાં આવક (ઇનકમ), ક્રેડિટ હિસ્ટ્રી અને વર્તમાન લોનની માહિતી સામેલ હોય છે. જ્યારે ગ્રાહક હોમ લોન માટે અરજી કરે છે, ત્યારે બેંકો તેના હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટને જોઈ શકે છે. આથી તેમને ગ્રાહકની નાણાકીય સ્થિતિ સરળતાથી સમજાઈ જશે.

હોમ લોનની અરજીમાં ઓછો સમય લાગશે

હોમ લોન માટે બેંકો ગ્રાહક પાસેથી અનેક પ્રકારના દસ્તાવેજો માગે છે. દસ્તાવેજો સબમિટ થયા પછી બેંક તેનું વિશ્લેષણ કરે છે અને ત્યાર બાદ નક્કી કરે છે કે લોન આપી શકાય કે નહીં. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણા સપ્તાહ લાગી જાય છે. હાઉસિંગ ક્રેડિટ પાસપોર્ટ શરૂ થતાં ગ્રાહકને બેંકોને વધુ દસ્તાવેજો આપવાની જરૂર નહીં પડે. પરિણામે હોમ લોનની અરજીને મંજૂરી મળવામાં વધારે સમય નહીં લાગે.

બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટર પર સરકારનું ધ્યાન

નિષ્ણાતોનું કહેવું છે કે બજેટમાં સરકારનું ધ્યાન રિયલ એસ્ટેટ સેક્ટર પર રહેવાની સંભાવના છે. આ એવું સેક્ટર છે, જેના સારા વિકાસની સકારાત્મક અસર ઘણાં અન્ય સેક્ટરો પર પડે છે. તેમાં સ્ટીલ, સિમેન્ટ, પેઇન્ટ્સ, લાઇટિંગ જેવી ઉદ્યોગો સામેલ છે.