TMC સાંસદ અભિષેક બેનર્જીના કાર્યાલય પર બુલડોઝર કાર્યવાહી

કોલકાતાઃ TMCનાં સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના કથિત રીતે ગેરકાયદે રીતે બનેલા કાર્યાલયને તોડી પાડવા માટે બુલડોઝર કાર્યવાહી ચાલુ છે. આ પાંચ માળની ઇમારતને ધરાશાયી કરવા માટે ત્રણ બુલડોઝર કામે લગાવવામાં આવ્યાં છે. જિલ્લા અધિકારીઓનો આરોપ છે કે આ પાંચ માળની ઇમારત મંજૂર બિલ્ડિંગ પ્લાન વગર અને બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવી હતી.

સ્થળ પર પશ્ચિમ બંગાળ પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના જવાનો તૈનાત હતા. સાવચેતીના ભાગરૂપે ફાયર અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ પણ હાજર હતા. પાર્ટીનું આ કાર્યાલય અમતાલામાં આવેલું છે, જે અભિષેક બેનર્જીના ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્રમાં આવે છે. ઇમારત તોડી પાડવામાં આવતાં નજીક એકત્ર થયેલા ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે પાર્ટીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

પ્રશાસને કાયદા મુજબ કાર્યવાહી કરી – ભાજપના ધારાસભ્ય

અમતાલાના ભાજપ ધારાસભ્ય અગ્નિશ્વર નસ્કરે આ કાર્યવાહીનું સ્વાગત કર્યું અને આરોપ લગાવ્યો કે ઇમારત બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ માળખું ગેરકાયદે રીતે બનાવવામાં આવ્યું હતું અને પ્રશાસને અંતે કાયદા મુજબ કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ગેરકાયદેસર બાંધકામ અંગે મળેલી ફરિયાદો બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંબંધિત લોકોને નોટિસ આપી કાનૂની પ્રક્રિયા હેઠળ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા હતા

શનિવાર સવારે જ પાર્ટી કાર્યાલયની આસપાસ વધારાના સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર પરિસરની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા અને પોલીસ તથા નાગરિક પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સમગ્ર કામગીરીની દેખરેખ રાખી રહ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અને કાયદા મુજબ થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઇમારત તોડવાની કાર્યવાહી સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયાને આધારે કરવામાં આવી રહી છે.

જિલ્લા પ્રશાસન દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર જે જમીન પર પાર્ટીનું કાર્યાલય બનાવવામાં આવ્યું છે તે કથિત રીતે ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ’ નામની કંપનીને નામે ખરીદવામાં આવી હતી. નોટિસમાં જમીનની માલિકી સંબંધિત દસ્તાવેજો તેમ જ બાંધકામ સંબંધિત રેકોર્ડ અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી હતી.