એમેઝોને આંતરરાષ્ટ્રીય વેપાર થકી Q2માં રેકોર્ડ નફો કર્યો

ન્યૂયોર્કઃ કોરોના વાઈરસ ચેપના સંકટને લીધે દુનિયાભરમાં લોકોને ઘરમાં પૂરાઈ રહેવાની કરાયેલી મજબૂરી ઓનલાઇન સેલ્સ પ્લેટફોર્મ માટે વરદાન બની ગઈ છે. એમેઝોન દ્વારા જારી કરવામાં આવેલાં પરિણામો મુજબ જૂનમાં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ અમેરિકામાં અત્યાર સુધીનો રેકોર્ડ નફો કર્યો. આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં કંપનીએ વર્ષો પછી પહેલી વાર નફો કર્યો છે. બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનું વેચાણ 40 ટકા વધીને 88.9 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે, ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીનું વેચાણ 63.4 અબજ ડોલરના સ્તરે હતું. કંપનીનો નફો બે ગણો વધીને 5.2 અબજ ડોલરે પહોંચ્યો છે.

આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં 34.5 કરોડ ડોલરનો નફો

આ ત્રિમાસિક ગાળામાં કંપનીને આંતરરાષ્ટ્રીય બિઝનેસમાં 34.5 કરોડ ડોલરનો નફો થયો હતો. પાછલાં કેટલાંય વર્ષોમાં પહેલી વાર કંપનીને અન્ય દેશોમાં વેપાર દ્વારા નફો કર્યો હતો. માર્ચ, ત્રિમાસિક ગાળામાં કંપનીને આંતરરાષ્ટ્રીય વેપારમાં 40 કરોડ ડોલર, ડિસેમ્બર ત્રિમાસિકમાં 61 કરોડ ડોલરનું અને પાછલા વર્ષે બીજા ત્રિમાસિક ગાળામાં આંતરરાષ્ટ્રીય વેપારમાં 60 કરોડ ડોલરનું નુકસાન થયું હતું. પાછલા કેટલાય ત્રિમાસિકથી કંપનીને આ સેગમેન્ટમાં નુકસાન થયું હતું અને ત્રિમાસિકને આધારે એ 90 કરોડ ડોલર સુધી નુકસાન થયું હતું.

પોણા બે લાખની ભરતી

કંપનીના જણાવ્યા પ્રમાણે કોરોના સંકટને કારણે બગડતા સિનારિયોની વચ્ચે લોકોની ખરીદદારીની તરાહ બદલાતાં તેમને લાભ થયો હતો. જોકે કંપનીએ પણ વ્યૂહરચનામાં પરિવર્તન કર્યું હતું. જે વખતે કેટલીય કંપનીઓ છટણી કરી રહી હતી, ત્યારે એમેઝોને માગને ધ્યાનમાં રાખતાં હજ્જારો લોકોની ભરતી કરી હતી. કંપનીએ હાલના મહિનાઓમાં આશરે પોણા બે લાખની ભરતી કરી હતી. કંપનીએ આતરરાષ્ટ્રીય વેપારમાં યુરોપ, ભારત અને જાપાનનો મોટો હિસ્સો છે.