ચીની લોકોને લાલ-મરચાંનો સ્વાદ દાઢે વળગ્યોઃ રેકોર્ડ નિકાસ  

અમદાવાદઃ હાલનાં વર્ષોમાં ચીની લોકોને ભારતીય મરચાનો સ્વાદ દાઢે વળગ્યો છે. ચીને નાણાં વર્ષ 2018 સુધી ભારતીય લાલ મરચાંની 10,000 ટન આયાત કરતું હતું, જે પછીના વર્ષે આશરે 75,000 ટન અને નાણાં વર્ષ 20માં એ આશરે 1.4 લાખ ટન થઈ ગઈ હતી, કેમ કે ચીની લોકોએ ભારતીય મસાલાઓને પસંદ કર્યા હતા, જે સ્થાનિક સ્તર કરતાં વધુ તેજ હોય છે. ચીનમાં લાલ શિમલા મરચાં ઉગાડવામાં આવે છે. ભારતે નાણાં વર્ષ 2021માં રૂ. 8430 કરોડના 6,01,500 ટન લાલ મરચાંની નિકાસ કરી છે.

ભારતીય લાલ મરચાંની નિકાસનો એક રેકોર્ડ થયો છે, કેમ કે ચીન ભારે માત્રામાં તીખા મસાલા ખાઈ રહ્યું છે. જેથી આયાતકારો, વેપારીઓ, ટ્રેડર્સ અને રિટેઇલર્સ કોરોના કાળમાં મોટા પાયે હવે મસાલાનો સ્ટોક કરી રહ્યા છે, એમ ઉદ્યોગના નિષ્ણાતો કહે છે.

રોગચાળા દરમ્યાન બધા ખાદ્ય પદાર્થોની માગ વધી ગઈ છે. જેની અસર મરચાં પર પડી છે. ભારતથી નિકાસ થતા બધા મસાલાની નિકાસમાં મસાલાઓનો વોલ્યુમની દ્રષ્ટિએ હિસ્સો 38 ટકા અને મૂલ્યની દ્રષ્ટિએ 31 ટકા હિસ્સો છે.  એમાં પણ સૌથી વધુ નિકાસ લાલ મરચાંની થાય છે.  ગયા વર્ષે ભારતની રૂ. 27,193 કરોડના મસાલાઓની નિકાસ થઈ હતી.

દેશમાં મરચાંના વાવેતરમાં વધારો થયો હોવા છતાં ઉત્પાદનમાં વધારો નથી થયો. વાવેતરમાં 15-20 ટકાનો વધારો થયો છે, પણ નબળા ચોમાસાને લીધે બમ્પર પાકની સંભાવના ઓછી થાય છે, પણ ઊંચી કિંમતોને લીધે આગામી સીઝનમાં પણ ખેડૂતો મરચાંનું વધુ વાવેતર કરશે, એમ વિજયક્રિષ્ણા સ્પાઇસ ફાર્મ પ્રા. લિ.ના MD રવિ પેરિયાએ કહ્યું હતું.