370 ગયાંની અસરઃ હેલમેટ કંપનીએ કરી J&Kમાં ઉત્પાદન એકમ સ્થાપવાની ઓફર

નવી દિલ્હીઃ 5 ઓગસ્ટે રાજ્યસભામાં જમ્મુકશ્મીરનું 370 હેઠળની સ્પેશિઅલ સ્ટેટસ હટાવવાના સરકારના બિલને પાસ થયાનાં ચોવીસ કલાકમાં બેરોજગારીથી પીડાતાં ક્ષેત્ર માટે નવા સંસ્થાન શરુ થવાની ઓફરો શરુ થઈ ગઈ છે. જાણવા મળે છે કે એશિયાની સૌથી મોટી હેલમેટ કંપની સ્ટીલબર્ડ હાઈટેકે જમ્મૂ-કાશ્મીરમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવાની ઓફર કરી છે. ઓફરની સાથે પોતાના એકમ માટેની રુપરેખા પણ દર્શાવી છે.સરકારે સોમવારના રોજ જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370 ને હટાવી દીધો છે. સ્ટીલબર્ડે સરકારના પગલાનું સ્વાગત કરતા કહ્યું કે આનાથી કાશ્મીર ઘાટીમાં નવી ઔદ્યોગિક ક્રાંતિ શરુ થશે અને સાથે જ ત્યાંના નાગરિકોને રોજગાર મળી શકશે.

સ્ટીલબર્ડ હેલમેટ્સના ચેરમેન સુભાષ કપૂરે કહ્યું કે આર્ટિકલ 370ને દૂર કરવા માટે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઉઠાવવામાં આવેલું આ બહુપ્રતીક્ષિત પગલું છે. આ શાનદાર પગલાથી એ સુનિશ્ચિત થશે કે કાશ્મીર ઘાટી ભારતની મુખ્યધારામાં જોડાશે અને આપણા દેશના સામૂહિક વિકાસનો ભાગ બનાવી શકાશે. તેમણે કહ્યું કે અત્યારસુધી જમ્મુકશ્મીરમાં મોટાભાગે વિનિર્માણ ગતિવિધિઓ કૃષિ અને હસ્તશિલ્પ સુધી સીમિત છે. તેમણે કહ્યું કે અમે ઓક્ટોબરમાં થનારા ઈન્વેસ્ટર સંમ્મેલનના અનુરુપ ત્યાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી રહ્યાં છીએ.

અમને આશા છે કે આનાથી કંપનીઓને ઘાટીમાં મુક્ત રીતે સમાન નિયમો અંતર્ગત કામ કરવામાં મદદ પ્રાપ્ત થશે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ કપૂરે કહ્યું કે અમારું માનવું છે કે નવા પરિવેશમાં કંપનીઓ સ્થાનીય વ્યાપારીઓ સાથે મળીને નવી શરુઆત કરશે. વિભિન્ન રાજ્યોમાં આ પ્રકારની શરુઆત સાથે પ્રગતિ થઈ છે. આ શરુઆત સ્થાનીય લોકો માટે વધારે સારા અવસરોનું સર્જન કરશે.