ફોર્ડ ઈન્ડિયાએ ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનું પડતું મૂક્યું

સાણંદઃ અમેરિકાની મલ્ટીનેશનલ ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની ફોર્ડની ભારતીય પેટાકંપની ફોર્ડ ઈન્ડિયા પ્રા.લિ.એ ભારતમાં તેના બે પ્લાન્ટમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનો પ્લાન પડતો મૂકી દીધો છે. આને કારણે કંપનીના સાણંદ (ગુજરાત) અને ચેન્નાઈ ખાતેના પ્લાન્ટના કર્મચારીઓને આઘાત લાગ્યો છે. કંપની હવે તેના કર્મચારીઓ સાથે વળતરના મુદ્દે ચર્ચા શરૂ કરશે. ફોર્ડ ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું છે કે કંપનીની મેનેજમેન્ટે કામદારોને કહી દીધું છે કે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનો પ્લાન કંપનીએ પડતો મૂકી દીધો છે. મેનેજમેન્ટે કામદારોને વળતર ચૂકવવા માટે તેમના યૂનિયનો સાથે વાટાઘાટ કરવાની તૈયારી બતાવી છે.

ફોર્ડ ઈન્ડિયાએ ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન યોજના અંતર્ગત કેન્દ્ર સરકારને પોતાની અરજી મોકલી દીધી છે. આવતા જૂન મહિનાથી ચેન્નાઈનો પ્લાન્ટ બંધ કરાશે. હાલ એ પ્લાન્ટમાં ઈકોસ્પોર્ટ કાર બનાવવામાં આવે છે અને તેની નિકાસ કરાય છે. 2021ના સપ્ટેમ્બરમાં ફોર્ડ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે તે સાણંદના પ્લાન્ટમાં વેહિકલ એસેમ્બ્લી કામકાજ બંધ કરશે અને ચેન્નાઈના પ્લાન્ટમાં 2022ના બીજા ક્વાર્ટર સુધીમાં વાહન અને એન્જિન ઉત્પાદન બંધ કરશે.

ફોર્ડ ઈન્ડિયાના ભારતમાં ચાર પ્લાન્ટ છે – ચેન્નાઈ અને સાણંદમાં વેહિકલ તથા એન્જિન ઉત્પાદનના. ફોર્ડ ઈન્ડિયાના ‘ક્વિટ ઈન્ડિયા’ નિર્ણયને કારણે તેના આશરે 5,300 કર્મચારીઓ-કામદારોનું ભાવિ અચોક્કસ થઈ ગયું છે. ચેન્નાઈમાં 3,300 અને સાણંદ પ્લાન્ટમાં 2,000 લોકો કામ કરે છે.