ડેટા સુરક્ષા કાયદા મામલે 10 ઓક્ટોબર સુધી આપી શકાશે પોતાનું મંતવ્ય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પર્સનલ ડેટા સંરક્ષણ કાયદો 2018 પર સામાન્ય લોકોની પ્રતિક્રિયા આપવાની સમય મર્યાદામાં 10 દિવસ જેટલો વધારો કર્યો છે. દેશના સામાન્ય લોકો હવે 10 ઓક્ટોબર સુધી આ કાયદા મામલે સરકારને પોતાનું મંતવ્ય આપી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સમાચાર આવ્યાં છે કે ફેસબૂકમાંથી કરોડો યૂઝર્સના ડેટા ચોરાયાં છે તેનો એકરાર ફેસબૂકે કર્યો છે.

અધિકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર દેશના ઘણા વિસ્તારોમાંથી પર્સનલ ડેટા સંરક્ષણ કાયદા પર પોતાનું મંતવ્ય આપવાની સમય મર્યાદા વધારવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ લોકોને પોતાનું મંતવ્ય આપવાની સમય મર્યાદાને 10 ઓક્ટોબર સુધી વધારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પર્સનલ ડેટા સંરક્ષણ કાયદાને 16 ઓગસ્ટના રોજ લોકોનું મંતવ્ય જાણવા માટે કેન્દ્ર સરકારના ઈલેકટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. પહેલા આ બિલ પર લોકોને ફીડબેક આપવા માટે 10 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે તેને વધારી દેવામાં આવ્યો છે.

ડેટા સુરક્ષા બિલને જસ્ટિસ બી.એન.શ્રીકૃષ્ણાની અધ્યક્ષતા વાળી એક સમિતિનાની ભલામણના હિસાબે તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે 27 જુલાઈના રોજ સમિતિએ સરકારને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં વ્યક્તિગત આંકડાની સુરક્ષા માટે કડક જોગવાઈઓની વાત કહેવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું છે કે આધારની નીયામક સંસ્થા UIDAI ની મંજૂરી બાદ જ કોઈના આધારને એક્સેસ કરવાનો અધિકાર આપવામાં આવવો જોઈએ.