ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશને BSE બોન્ડ પ્લેટફોર્મ મારફત રૂ. 1580 કરોડ એકત્ર કર્યા

મુંબઈ – દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જ બીએસઈના બીએએસઈ બોન્ડ પ્લેટફોર્મ મારફત ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશને સફળતાપૂર્વક રૂ.1580 કરોડ એકત્ર કર્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ) દ્વારા લોન્ચ કરવામાં આવેલા ભારત બોન્ડ ઈટીએફ પ્રોગ્રામ હેઠળ ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન પ્રથમ સરકારી હસ્તી છે જેણે રૂ.790 કરોડનો બેઝ ઈશ્યુ રૂ.790 કરોડના ગ્રીન-શૂ ઓપ્શન સાથે લોન્ચ કર્યો હતો. સંપૂર્ણ ગ્રીન-શૂ ઓપ્શનની રકમ ભારત બોન્ડ ઈટીએફ માટે અનામત રાખવામાં આવી હતી.

આ બોન્ડ્સની મુદત આશરે 10 વર્ષ અને 3 મહિના છે જે ભારત બોન્ડ ઈન્ડેક્સ-2030 સંલગ્ન છે અને તેનો વાર્ષિક કૂપન રેટ 7.55 ટકા છે. બીએએસઈ બોન્ડ પર 27 ડિસેમ્બરે ખૂલેલા આ ઈશ્યુમાં રૂ.1720 કરોડની કુલ 37 બીડ્સ પ્રાપ્ત થઈ હતી. આ વિરાટ ઈશ્યુમાં ભારત બોન્ડ ઈટીએફ સફળતાપૂર્વક સામેલ થયું હતું.

આ પ્રસંગે બીએસઈના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું, “બીએસઈ બોન્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ઈન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરએફસી) સફળતાપૂર્વક રૂ. 1580 કરોડ એકત્ર કરી શકી એનો મને આનંદ છે. બીએસઈ દૃઢપણે માને છે કે દેશની બોન્ડ માર્કેટ મોટા વિકાસની પર્યાપ્ત સંભાવના ધરાવે છે અને સ્થાનિક બચતનું યોગ્ય રોકાણ થઈ રહ્યું છે. ”

આઈઆરએફસીના એમડી અમિતાભ બેનર્જીએ ડીઆઈપીએએમ, બીએસઈના અને ઈન્ટરમીડિયરિઝ અધિકારીઓ સહિત બધા સહભાગીઓનો સૌપ્રથમ ઈશ્યુ સફળતાપૂર્વક પાર પાડવા બદલ આભાર માન્યો હતો.