ઈકોનોમીક રિકવરી અને બજારની રિકવરી વધુ સમય લેશે

ઈન્વેસ્ટરોએ સમયમાં સમજવા જેવી વાત શું છે?

કોરોનાએ આર્થિક મંદીના જખ્મ પર નમક નાંખવાનું કામ કર્યુ છે, મલમ મળતા અને ઘા રુઝાતા સમય લાગી શકે. ભૂતકાળમાં જે થયું હતું તે ભવિષ્યમાં પણ થશે જ તેની ખાતરી માની શકાય નહીં.

વર્તમાન સંજોગોમાં રોકાણકારોને એક સૌથી મોટું આશ્વાસન એ અપાઈ રહ્યું છે કે ઘટતા ભાવોએ ખરીદતા રહો, જેથી માર્કેટ જ્યારે રિકવર થશે ત્યારે તમારી ખોટ ભુંસાઈ જશે અને વધુ લાભ પામશો. કારણ કે છેલ્લા પાંચેક દાયકાનો ઈતિહાસ કહે છે, આવી કોઈપણ કટોકટીમાં બજાર જેટલું નીચે પડે છે, તેના કરતા અનેકગણું કટોકટી પૂરી થયાના એકાદ-બે વરસમાં જ  ઊંચે ચઢે છે. વાત સાચી પણ છે. આના ઘણાં દાખલા આંકડા સાથે મોજુદ છે, કિંતુ  ભૂતકાળમાં આવું બન્યું એનો અર્થ એ નથી કે આ વખતે પણ એવું સમાન જ થશે. અલબત્ત, તેજી-મંદીની પણ એક સાઈકલ હોય છે, જે સમય-સંજોગ મુજબ ચાલે છે, પણ આ બજારને કયારેય સમયમાં કોઈ બાંધી શકયું નથી. વાસ્તે જેટલું ઘટયું છે તેનાથી અનેકગણું વધશે અને અમુક સમયમાં જ વધશે એવું ખાતરીપૂર્વક કહી શકાય નહીં અને એવું દિમાગ બંધ કરી  માનવામાં પણ એક પ્રકારનું જોખમ ગણાય. કારણ કે દરેક કટોકટીના કારણ અને પરિણામ સરખા જ  રહેવા આવશ્યક નથી.

કટોકટી સાવ જુદી છે

કોરોનાની કટોકટી અગાઉની  અન્ય દરેક કટોકટીથી ભિન્ન અને વધુ ગંભીર છે. એટલું જ નહીં, આપણા દેશમાં અર્થતંત્રમાં પહેલેથી મંદી હતી, સંજોગો કથળેલા હતા તેમાં ઉમેરો થયો છે, અર્થાત જખમ હતા જ, તેના પર હવે કોરોનાનું નમક લાગ્યું છે, જેમાં અર્થંતંત્ર વધુ પાછળ ધકેલાઈ ગયું છે. આનો અર્થ એ થાય કે કોરોના બાદની  રિકવરી પછી પણ ઈકોનોમીક રિકવરી વધુ સમય લેશે અને એના કરતા વધુ સમય બજારની રિકવરી લઈ શકે.

અઢી મહિનામાં કેટલું તૂટ્યું

જાન્યુઆરી 2020થી અત્યારસુધીમાં (આ લખાય છે ત્યારે), એટલે કે માત્ર ત્રણ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડસની લાર્જ કેપમાં 14 ટકાથી વધુ, મિડકેપમાં 9 ટકાથી વધુ, સ્મોલ કેપમાં 10 ટકાથી વધુ, લાર્જ એન્ડ મિડકેપમાં 12 ટકાથી વધુ, મલ્ટી કેપમાં 13 ટકાથી વધુ ઘટાડો થયો છે. જ્યારે સેન્સેકસમાં 17 ટકાથી વધુ અને નિફટી-50માં 18 ટકાથી વધુ ઘટાડો થયો છે. છેલ્લા એક વરસના વળતર પણ નેગેટિવ થયા છે. આમ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો જ વેરવિખેર અને ઉલ્ટા થઈ ગયા છે. ક્યાંક સીધી ખોટ છે તો કયાંક નફામાં ખોટ ગઈ છે.

કટોકટી બાદ વળતર અનેકગણા ઊંચા, પરંતુ

હવે રોકાણકારોના આશ્વાસન માટે જે આંકડા સાથે વાત થઈ રહી  છે તેમાં કહેવાય છે કે અગાઉ 2003, 2004 અને 2016માં પણ  અન્ય વાઈરસ (સાર્સ, એવિઅન ઈન્ફલુએન્ઝા અને ઝિકા) આવ્યા હતા ત્યારે બજાર 11 થી 14 ટકા જેટલું તૂટ્યું હતુ, કિંતુ પછીથી એકાદ જ વરસમાં બજારે 25 થી 75 ટકા જેટલું ઊંચું વળતર આપ્યું હતું. એમ તો 2008 ની ગ્લોબલ ફાઈનાન્સીયલ ક્રાઈસિસ વખતે પણ સેન્સેક્સ 21000 થી તૂટીને 8000 સુધી પહોંચી ગયો હતો અને પછીના એકાદ વરસમાં જ તેણે નવી ઊંચી સપાટી બનાવી લીધી હતી. એ સમયે 8000ના ઈન્ડેક્સમાં કોઈ લેવાલ  નહોતા. જેમણે લેવાની હિંમત કરી હતી, તેઓ અઢળક કમાયા હતા. જ્યારે કે 21000ના સેન્સેક્સ વખતે કોઈ વેચવા રાજી નહોતા. આ માર્કેટના ખેલાડીઓની  સામાન્ય માનસિકતા રહેતી હોય છે.

ભૂતકાળની ભાવિ ખાતરી કેટલી?

જો આમ હોય તો કરવું શું? એ પણ સમજવું જરૂરી છે. ઈન્વેસ્ટમેન્ટ જગતમાં કાયમ એક સૂચના યા ચેતવણી  અપાતી હોય છે કે ભૂતકાળની કામગીરી યા વળતર એ ભવિષ્યની કામગીરી કે વળતરની કયારેય  ખાતરી ન ગણાય. આ વખતે બજારો અને એકેક એસેટ્સના ભાવ કોરોનાને કારણે ફેલાયેલી અસર અને ભયને લીધે  જે પ્રમાણમાં તૂટ્યા છે તે કોરોનાની અસર ચાલી ગયા બાદ ફરી  અગાઉની  કટોકટી પછી જેમ બન્યું હતું તેમ બનશે જ, એટલે કે અનેકગણા પ્રમાણમાં વધશે જ એવું કહી શકાય નહીં અને માની લેવાય પણ નહીં. હા, રોકાણકાર પાસે નાણાંની  પર્યાપ્ત છુટ છે, તેની  ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગની  ક્ષમતા ખૂબ જ ઊંચી છે અને તે લાંબા સમયગાળા માટે રોકાણ કરવા રાજી છે તો વાત જુદી છે. અગાઉની   કટોકટી બાદ  એકાદ વરસમાં જ જે  વળતર ઊંચા થઈ જતા હતા તે આ વખતે વધુ લાંબો સમય લે એવું બની શકવાની શકયતા પણ ઊંચી છે. આ માટેના કારણ જુદા અને મજબુત છે.

મંદી માત્ર કોરોનાને કારણે નથી

આ વિષયમાં ખાસ યાદ રાખવું આવશ્યક છે કે  આપણે ત્યાં મંદી માત્ર કોરોનાને કારણે નથી આવી, બલકે આપણા અર્થંતંત્રની ધીમી પડેલી ગતિથી માંડી અનેકવિધ આર્થિક સમસ્યાને કારણે પણ મંદી ફેલાઇ હતી, અર્થાત કોરોના ફેલાવાના બંધ થતા મંદી બંધ થઈ જશે એવી આશા રાખવી નિરર્થક છે.  આ મંદી વૈશ્વિક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને તેણે અનેક દેશોના અર્થતંત્રને બે થી પાંચ વરસ પાછળ ધકેલી દીધા છે.  ભારત તેમાંથી મુક્ત રહી શકે નહીં. બચતકાર-રોકાણકારે  હાલના નાજુક સમયમાં સંભાળીને નિર્ણય લેવાના છે. માર્કેટ હજી નહી ઘટે તેની  અને માર્કેટ વહેલી તકે રિકવર થશે એવી ભ્રામક આશા રાખી શકાય નહી. વોલેટીલિટી તેની ચરમસીમાએ છે.  સમગ્ર પોર્ટફોલિયોની સમીક્ષા જરૂરી છે. જો કે આ બધી નિરાશા વચ્ચે એક આશા સરકાર તરફથી રાખી શકાય, કોરોનાની કટોકટી બાદ સરકાર આર્થિક ગતિને વેગ આપવા ઝડપી, ધરખમ અને નક્કર પગલાં લેશે યા તેણે લેવા જ પડશે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)