બેટરી ડિસ્ચાર્જ થાય તો કેવી રીતે ખોલશો ગાડી, જાણો…

નવી દિલ્હીઃ કાર ટેક્નોલોજીનો બહુ ઝડપથી વિસ્તાર થયો છે. પહેલાં કારો ચાવીથી લોક અને અનલોક થતી હતી. એ પછી રિમોટવાળી ચાવી મળવા લાગી અને હવે કીલેસ ફીચર ઘણું ચલણમાં છે. બધી કારો તમને કીલેસ એન્ટ્રી ફીચર ઓફર કરે છે. એટલે વગર ચાવીના ઉપયોગે તમે કારમાં પ્રવેશ કરી શકો છો અને કાર સ્ટાર્ટ પણ કરી શકો છે. જેથી તમારે કારમાં ચાવી લગાવવાની જરૂર નહીં રહે. તો ચાલો, કીલેસ એન્ટ્રી ફીચર વિશે જણાવીએ…

કીલેસ એન્ટ્રી તમને વગર ચાવીએ કારની અંદર પ્રવેશ થવાની સુવિધા આપે છે. એમાં તમારી પાસે એક રિમોટ હોય છે, જે સેન્સર દ્વારા કારથી કનેક્ટેડ હોય છે. જેવા તમે કારની નજીક પહોંચો છો, ત્યારે જ સેન્સર એક્ટિવેટ થઈ જાય છે અને કારને સિગ્નલ આપે છે કે કાર ઓનર પાસે આવી ગયા છે, આવામાં કાર સિગ્નલ પર રિસ્પોન્ડ કરે છે અને તમે વગર ચાવી એ કાર ખોલી શકો છો. જ્યારે તમે કારની અંદર બેસો છો, ત્યારે તમારે કોઈ ચાવી લગાવવાની જરૂર નહીં રહે. તમે ડિરેક્ટ કારનું સ્ટાર્ટ બટન દ્વારા કાર સ્ટાર્ટ કરી શકો છો.

જો કીલેસ રિમોટની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો પણ તમે કારમાં એન્ટ્રી લઈ શકશો. કીલેસ રિમોટમાં એક હિડન કી હોય છે, જે રિમોટની બનાવટ અનુસાર અલગ-અલગ રીતે હાઇડ કરવામાં આવેલી હોય છે. જો તમારા રિમોટની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો તમે એ કીને બહાર કાઢીને એનાથી કાર ને અનલોક કરી શકો છો.