ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસને કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે ઘટાડો

નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાઇરસને લીધે પેટ્રોલ અને ડીઝલની માગમાં ઘટાડો થવાની આશંકાને પગલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવતાં દેશમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત ઘટી રહી છે. દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં પેટ્રેલ-ડીઝલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 23 પૈસા સસ્તું થઈને પ્રતિ લિટર રૂ. 72.45 હતું, જ્યારે ડીઝલની કિંમતો પણ 25 પૈસા ઘટી રૂ. 65.43 પ્રતિ લિટર હતી.

મુંબઈમાં પેટ્રોલની કિંમતો 23 પૈસા ઘટીને પ્રતિ લિટરે રૂ. 78.11 થઈ હતી, જ્યારે ડીઝલની કિંમતો 27 પૈસાના ઘટાડા સાથે પ્રતિ લિટર રૂ. 68.57 પૈસા થઈ હતી.

ક્રૂડ ઓઇલની માગ ઘટતાં કિંમતોમાં ઘટાડો

બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમતો પ્રતિ બેરલ 54.47 ડોલર અને ન્યુયોર્ક ક્રૂડ પ્રતિ ડોલરે 50.34 હાજરમાં હતું. બીજી બાજુ ક્રૂડ ઓઇલ ફ્યુચરનના ભાવો 13 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જેને લીધે ઓપેક અને તેના સહયોગીઓએ ક્રૂડ ઓઇલની માગમાં હજી ઘટાડો થવાને લીધે ઉત્પાદનમાં કાપ મૂકે એવી શક્યતા છે. ચીનકોરોના વાઇરસ સાથે જંગ લડી રહ્યું છે, ત્યારે ક્રૂડની માગમાં આવેલા ઘટાડાને કારણે કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો. આને પરિણામે દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો.