રણવીરસિંહે સુગર કોસ્મેટિક્સ સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણવીરસિંહ ઈન્વેસ્ટર બની ગયો છે. એણે પહેલી જ વાર એક સ્ટાર્ટઅપ કંપનીમાં મૂડીરોકાણ કર્યું છે. એણે ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) બ્રાન્ડ ‘સુગર’ કોસ્મેટિક્સમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. જોકે એણે કેટલી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે આંકડો કંપનીએ બહાર પાડ્યો નથી.

સુગર કોસ્મેટિક્સે D2C બ્રાન્ડ તરીકે 2015માં બિઝનેસ શરૂ કર્યો હતો અને બાદમાં 2017માં એણે ઓફ્ફલાઈન વ્યાપારમાં ઝુકાવ્યું હતું. હાલ એનું વાર્ષિક વેચાણ રૂ. 550 કરોડનું છે. દેશભરમાં એ 45,000થી વધારે રીટેલ ટચ-પોઈન્ટ્સ ધરાવે છે. રણવીરસિંહે કહ્યું છે કે ભારતીય મહિલાઓને પ્રીમિયમ અને ક્વાલિટીવાળી મેકઅપ પ્રોડક્ટ્સ પૂરી પાડતી બ્રાન્ડને મદદરૂપ થવા અને એનો હિસ્સો બનવા બદલ હું આનંદનો અનુભવ કરું છું. રણવીરના જોડાવાથી સુગર બીજી બજારોમાં વિસ્તરણ કરવા ધારે છે. કંપનીનાં સહ-સ્થાપક અને સીઈઓ છે વિનીતા સિંહ. એવી જ રીતે કૌશિક મુખરજી સહ-સ્થાપક અને સીઓઓ છે. રણવીરની અભિનેત્રી પત્ની દીપિકા પદુકોણે પણ ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓમાં મૂડીરોકાણ કર્યું છે, જેમ કે એપીગેમિયા, નુઆ, બ્લૂ સ્માર્ટ, બેલાટ્રિક્સ એરોસ્પેસ અને એટમબર્ગ ટેક્નોલોજીસ.