મંદીની આશંકાથી ડોલરની સામે યુરો 20 વર્ષના તળિયે

ફ્રેન્કફર્ટઃ યુરોપિયન સંઘના 28માંથી 19 સભ્યોની સત્તાવાર કરન્સી યુરો ગઈ કાલે US ડોલર સામે 20 વર્ષના તળિયે પહોંચ્યો હતો. જેથી યુરો ઝોનમાં મંદીનું જોખમ ઝળૂંબી રહ્યું છે. 19 સભ્ય દેશો દ્વારા રજૂ કરવામાં આવેલી કરન્સી ડોલરની સામે એક ટકો વધુ ઘટાડા સાથે નબળી પડી હતી. યુરોપિયન સેન્ટ્રલ બેન્કના જણાવ્યાનુસાર ડોલરની સામે યુરોનો દર 1.0455 હતો. આ વર્ષના પ્રારંભે ડોલરની સામે યુરો નવ ટકાથી વધુ ઘટ્યો હતો, એમ ECBએ જણાવ્યું હતું. S&P ગ્લોબલના જણાવ્યાનુસાર મેન્યુફેક્ચરિંગ પર્ચેઝ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) જૂનમાં 52.1 પર આવી ગયો હતો, જે મેમાં 54.6 હતો.

જૂનમાં PMI સર્વેક્ષણે સંકેત આપ્યા હતા કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં વિકાસદરમાં ઝડપથી ઘટાડો થાય એવી શક્યતા છે. બીજી બાજુ, યુરો ઝોનમાં ફુગાવાનો દર ઝડપથી વધી રહ્યો છે. બજારના વિશ્લેષકોનું માનવું છે કે ફુગાવાનો દર વધવાથી ગ્રાહકોના વિશ્વાસ ડગમગી શકે છે, જેથી આર્થિક વિકાસ પર અસર પડી શકે છે.

યુરો ઝોનમાં વાર્ષિક ફુગાવો જૂનમાં વધીને 8.6 ટકા થયો છે, જે મેમાં 8.1 ટકા હતો, એમ S&Pએ ગ્લોબલ રિપોર્ટમાં જણાવ્યું છે. આ સાથે ECBએ જૂનમાં બોંડ ખરીદીનો કાર્યક્રમ પૂરો કરી દીધો છે અને જુલાઈમાં વ્યાજદરોમાં વધારો કરે એવી શક્યતા છે. ECB દ્વારા દરોમાં વધારાના નિર્ણયની ઘોષણા કર્યા પછી ઇટાલી સહિત કેટલાક સભ્ય દેશોનાં સરકારી રાજ્યોનાં સરકારી બોન્ડમાં વધારો થયો હતો.