ICICI ડિરેક્ટમાં ખામીથી યુઝર્સ પરેશાનઃ સાઇટ હવે ઠીક

નવી દિલ્હીઃ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ ICICIdirectની વેબસાઇટ ICICIdirect.com બુધવારે સવારે 10 કલાકે ગ્રાહકો માટે ઉપલબ્ધ નહોતી, કેમ કે એની વેબસાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. કંપનીએ એની વેબસાઇટ પર એક મેસેજ મૂક્યો હતો કે આ વ્બસાઇટની સર્વિસ 11 ફેબ્રુઆરી સુધી ઉપલબ્ધ નહીં થાય. જે રોકાણકારોએ સવારે વેબસાઇટ અને એપથી લોગઇન કરવાના પ્રયાસ કર્યા હતા, તેઓ નિરાશ થયા હતા. જોકે હવે વેબસાઇટ સુચારુ રૂપે ચાલવા લાગી છે.

કંપનીએ બુધવારે ટ્વીટ કર્યું હતું કે કંપનીની વેબસાઇટ પર નેટવર્ક સમસ્યા સર્જાવાને કારણે ICICIdirect.com પર શેરબજારની કામગીરી કરતા યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અમે આ અસુવિધા બદલ ખેદ છે અને અમે આ સમસ્યા જલદી ઠીક કરવા પર કામ કરી રહ્યા છીએ, એમ કંપનીએ કહ્યું હતું.

ICICIdirect.comના ટ્વીટ પર આનંદ નામના યુઝરે લખ્યું હતું કે સેબીએ આ વિશે તપાસ કરવી જોઈએ. ટ્રેડિંગ કલાકો દરમ્યાન પ્લેટફોર્મ ડાઉન નહીં થવું જોઈએ. આ બહુ નિરાશાજનક છે. આ પ્લેટફોર્મને આગામી છ મહિના માટે ભારે દંડ ફટકારાવો જોઈએ.

બીજા એક યુઝર્સે પણ આ બાબતે સેબીએ તપાસ કરવી જોઈએ, એમ ફરિયાદ કરતાં લખ્યું હતું. તેણે એ પણ લખ્યું હતું કે કંપની પર નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેણે આ માટે RBIએ HDFC પર લગાવ્યો હતો –એનું ઉદાહરણ આપ્યું હતું.