નવી દિલ્હીઃ દેશનાં ચાર રાજ્યોમાં વિધાનસભાની પાંચ અને લોકસભાની એક બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. શુક્રવારે સવારે આઠ વાગ્યાથી તમામ છ બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો, તમિલનાડુની મદુરંતકમ અને ધારાપુરમ વિધાનસભા બેઠકો, આસામની નગાંવ લોકસભા બેઠક અને પુડુચેરીની થટ્ટનચાવડી વિધાનસભા બેઠક પર 6 ઓક્ટોબરે મતદાન થયું હતું.

આ તમામ બેઠકોનાં પરિણામો પર રાજકીય પક્ષો અને લોકોની નજર ચોંટેલી છે. ચારેય રાજ્યોમાં બદલાતાં રાજકીય સમીકરણોની વચ્ચે આ પેટા ચૂંટણીનાં પરિણામો અનેક રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોની લીડ મજબૂત
નંદીગ્રામથી ભાજપનાં ઉમેદવાર હસીરાની રથ 19,291 મતોથી આગળ ચાલી રહ્યાં છે, જ્યારે રેજીનગરથી ભાજપના ઉમેદવાર સખારવ સરકારે 30,000 મતોની સરસાઈ મેળવી છે.
તામિલનાડુના મદુરાન્થકમમાં પાંચમા રાઉન્ડ બાદ TVKની લીડ વધી
તમિલનાડુની મદુરાન્થકમ પેટા ચૂંટણીમાં મતગણતરીના પાંચમા રાઉન્ડ બાદ ટીવીકેના ઉમેદવાર મરાગથમ કુમારવેલ 20,067 મત સાથે આગળ રહ્યાં હતાં. ડીએમકેના ઉમેદવાર આઈ. પરન્થામેન 13,829 મત સાથે બીજા ક્રમે હતા, જ્યારે એઆઈએડીએમકેના ઉમેદવાર કનિથા સંપથને 11,442 મત મળ્યા હતા. કુમારવેલે પરન્થામેન કરતાં 6238 મતોની સરસાઈ મેળવી હતી.
આસામમાં ભાજપના દેવાશિષ શર્મા 75,000થી વધુ મતોની સરસાઈ
ચૂંટણી પંચના આંકડા અનુસાર આસામની નગાંવ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દેવાશિષ શર્માની લીડ વધીને 75,248 મતો થઈ હતી. શર્માને 1,81,017 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ અને ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (એઆઈયુડીએફ)ના ઉમેદવાર મોહમ્મદ બદરૂદ્દીન અજમલને 1,05,769 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર શિબામણિ બોરા 29,826 મત સાથે ત્રીજા સ્થાને હતા.
પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. સુરક્ષા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની 71 કંપનીઓ તહેનાત કરવામાં આવી હતી. બંને બેઠકો પર શરૂઆતમાં આશરે 78 ટકા મતદાન નોંધાયું હતું. જોકે અંતિમ આંકડા અનુસાર નંદીગ્રામમાં 80.89 ટકા અને રેજીનગરમાં 80.08 ટકા મતદાન થયું હતું.
હાલ તમામ છ બેઠકોનાં પરિણામો પર રાજકીય પક્ષોની નજર છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુનાં પરિણામો આગામી રાજકીય દિશા અંગે મહત્ત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.




