લહેરોથી ડરીને નૌકા પાર નથી થતી…: ગૌતમ અદાણીનો શેરહોલ્ડરોને પત્ર

અમદાવાદઃ સેબીએ ગૌતમ અદાણી અને તેમના ગ્રુપને અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવાયેલા શેરની કિંમતમાં હેરાફેરીના આરોપોમાંથી મુક્તિ આપી છે, જેથી શેરધારકોને ગૌતમ અદાણીએ પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું છે કે હિન્ડનબર્ગ મામલામાં સેબી દ્વારા મળેલી ક્લીનચિટ તે પારદર્શિતા અને હેતુ પર મહોર લગાવે છે. હિન્ડનબર્ગ રિસર્ચના આરોપોમાંથી મુક્તિ મળ્યા બાદ શેરધારકોને લખેલા પત્રમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કંપનીએ તાજેતરમાં એવા “પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ” પૂર્ણ કર્યા છે, જેમણે દેશના પાયાના માળખાને નવી દિશા આપી છે અને તેની વૈશ્વિક સ્થિતિ મજબૂત કરી છે.

શેરધારકોને ત્રણ વચન આપ્યાં

કંપનીના ગવર્નન્સ ધોરણોને મજબૂત બનાવવાનાં, નવીનતા અને સ્થિરતાને ગતિ આપવી અને દેશના લાંબા ગાળાના વિકાસને ટેકો આપતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં મૂડીરોકાણ કરવાનું.

ગૌતમ અદાણીના પત્રનો સારાંશ

પ્રિય સાથી શેરધારકો,

24 જાન્યુઆરી, 2023 એક એવી સવાર તરીકે યાદ રહેશે, જ્યારે દેશનાં બજારો એવી અફરાતફરી સાથે ખૂલ્યાં જેણે દલાલ સ્ટ્રીટ પર ઘણો દૂર સુધી પ્રભાવ પાડ્યો. હિન્ડનબર્ગની રિપોર્ટ માત્ર અદાણી જૂથની ટીકા નહોતી. તે વૈશ્વિક સ્તરે સપનાં જોવાની હિંમત ધરાવતા ભારતીય ઉદ્યોગોને સીધો પડકાર હતો.

તમારા જૂથ માટે આ એવું પરીક્ષણ હતું જેણે અમારા લવચીકપણાના દરેક પાસાને પડકાર્યો. તેણે અમારા શાસન, અમારા હેતુઓ અને એ વિચારોને પણ સવાલ કર્યો કે ભારતીય કંપનીઓનાં ધારાધોરણો અને મહત્ત્વાકાંક્ષા મામલે દુનિયાને નેતૃત્વ કરી શકે છે.

સેબીના આ અંતિમ નિર્ણય સાથે સત્યની જીત થઈ છે. તેમણે કહ્યું છે કે “સત્યમેવ જયતે”

EBITDA વૃદ્ધિ:પોર્ટફોલિયો EBITDA  2023ના નાણાકીય વર્ષમાં રૂ. 57,205 કરોડથી વધી 2025માં રૂ. 89,806 કરોડ થયો. આ રૂ. 32,601 કરોડની વૃદ્ધિ છે, જે લગભગ 57 ટકાની કુલ વૃદ્ધિ અને બે વર્ષમાં 25 ટકાના CAGR દર્શાવે છે.

એસેટ એક્સટેન્શન: અમારો ગ્રોસ બ્લોક 2023માં રૂ. 4,12,318 કરોડથી વધીને 2025માં રૂ. 6,09,133 કરોડ થયો છે. આ બે વર્ષમાં લગભગ રૂ. બે લાખ કરોડનો વધારો અને 48 ટકાની વૃદ્ધિ છે.

  • અમે એવા પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા, જેણે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવો આકાર આપ્યો અને તેની વૈશ્વિક સ્થિતિ મજબૂત કરી છે. કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ સાથે, વિઝિંજમ ખાતે ભારતનો પ્રથમ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શરૂ કર્યો.
  • દુનિયાના સૌથી મોટો એકલો રિન્યુએબલ પ્રોજેક્ટ ખાવડા સહિત 6 ગીગાવોટ નવીકરણશીલ ક્ષમતા ઉમેરાઈ.
  • દુનિયાનો સૌથી મોટો કોપર સ્મેલ્ટર અને મેટલર્જિકલ કોમ્પ્લેક્સ શરૂ કર્યો.
  • ભારત અને વિદેશોમાં 7000 સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનો અને 4 ગીગાવોટની નવી થર્મલ ક્ષમતા સાથે અમારી ઊર્જા નેટવર્કનો વિસ્તાર કર્યો.

જ્યારે આ તોફાન ચાલી રહ્યું હતું, ત્યારે પણ હું અમારા રોકાણકારો, ધિરાણદાતાઓ, સપ્લાયરો અને ભાગીદારોમાં ઊભી થયેલી ચિંતાથી સંપૂર્ણ રીતે માહિતગાર હતો. તમારા વિશ્વાસે અમને સ્થિર રાખ્યા, તમારી ધીરજે અમને સહારો આપ્યો અને તમારા વિશ્વાસે અમને હિંમત આપી. આ અસાધારણ સહાય માટે હું આપનો હૃદયથી આભારી છું.

ભવિષ્ય માટે, મારું આપને વચન છે કે અમે…

  • બજારો અને નિયમનકારોમાં વિશ્વાસ વધારતા ગવર્નન્સ ધોરણોને વધુ મજબૂત કરીશું.
  • નવીનતા અને સ્થિરતાને ગતિ આપીશું, માત્ર ભારતમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ધોરણ સ્થાપિત કરીશું.
  • રાષ્ટ્ર નિર્માણ પર વધુ ભાર મૂકીને, ભારતના લાંબા ગાળાના વિકાસને આધાર આપતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીશું.

હું  સોહન લાલ દ્વિવેદીના અમર શબ્દો સાથે મારી વાત પૂરી કરું છું, જે અમારી યાત્રાની સાચી ભાવના દર્શાવે છે:

લહેરોથી ડરીને નૌકા પાર નથી થતી,

 પ્રયાસ કરનારો ક્યારેય હારતો નથી.

દૃઢ સંકલ્પ અને સન્માન સાથે,

ગૌતમ અદાણી

(અધ્યક્ષ, અદાણી જૂથ)