નવી દિલ્હી: કેબિનેટ બેઠકમાં રેલવેના આધુનિકીકરણ પર મહત્ત્વની ચર્ચા કરવામાં આવી. રેલવે સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના 7 સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરને ચાર-લેન અને ચાર-ટ્રેકવાળા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સ પાછળ અંદાજે 10,783 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને આનાથી લગભગ 656 કિલોમીટર નવી રેલ લાઇનો જોડાશે અથવા અપગ્રેડ થશે.
7 કોરિડોરને ચાર-લેન બનાવવાની મંજૂરી
દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નઈ, ચેન્નઈથી કોલકાતા અને કોલકાતાથી દિલ્હી થઈને ફરી મુંબઈ સુધીનો રૂટ ‘ગોલ્ડન ક્વાડ્રિલેટરલ’ બનાવે છે. આ ઉપરાંત દિલ્હીથી ચેન્નઈ, મુંબઈથી કોલકાતા અને દિલ્હીથી ગુવાહાટીના રૂટનો પણ સમાવેશ થાય છે. આ તમામ 7 વ્યસ્ત કોરિડોરને ચાર-લેન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ચાર-લેન પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ
દેશના કુલ 11,000 કિલોમીટરના હાઇ-ડેન્સિટી કોરિડોર પૈકી 7 કોરિડોર એવા છે જ્યાં રેલવેનું લગભગ 40 ટકા ટ્રાફિક ચાલે છે. આમાંથી આશરે 2,000 કિલોમીટરનું કામ પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું છે અને ત્યાં ચાર લાઇનો બિછાવી દેવામાં આવી છે. આશરે 5,000 કિલોમીટર પર કામ ચાલી રહ્યું છે અથવા તેને મંજૂરી મળી ચૂકી છે, જ્યારે બાકીના 4,000 કિલોમીટર માટે અંતિમ મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે.
5 રાજ્યમાં નેટવર્કનો વ્યાપ વધશે
આ પ્રોજેક્ટ્સથી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ એમ કુલ 5 રાજ્યોના 14 જિલ્લાઓમાં રેલવે નેટવર્કનો વ્યાપ વધશે. આનાથી આ વિસ્તારના આશરે 4,790 ગામોના લગભગ 56 લાખ લોકોને સીધો ફાયદો થશે. ઉત્તમ રેલ કનેક્ટિવિટી મળવાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.
કઈ રેલ લાઇન્સ અપગ્રેડ થશે?
સરકારે ખડગપુર-ઝારસુગુડા સેક્શનમાં બાગડેહી સુધી ચોથી લાઇન, કટની-પેંડ્રા રોડ ચોથી લાઇન અને બિલસપુર(ઉસલાપુર)-પેંડ્રા રોડ ત્રીજી લાઇનને મંજૂરી આપી છે. આ લાઇન્સના મલ્ટી-ટ્રેકિંગથી વર્તમાન રેલ રૂટ પર ટ્રેનો માટે વધારાની ક્ષમતા તૈયાર થશે.
ટ્રાફિક જામ અને ભીડ ઓછી થશે
નવી રેલ લાઇન્સના જોડવાથી હાલના રૂટ પર ટ્રેનોનું ભારણ અને ટ્રાફિક જામની સમસ્યા ઘટશે. માલગાડીઓ અને મુસાફર ટ્રેનોની અવરજવર વધુ વ્યવસ્થિત બનશે, જેનાથી ટ્રેનો સમયસર દોડી શકશે અને માલસામાનની હેરફેર પણ ઝડપી બનશે.
પ્રવાસન અને ધાર્મિક સ્થળોની મુસાફરી બનશે આસાન
નવી રેલ લાઇન્સ અને મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને કારણે ઓડિશાનું તારાતારિણી મંદિર અને ઝારસુગુડાનું જગન્નાથ મંદિર, મધ્ય પ્રદેશનું બાંધવગઢ ટાઇગર રિઝર્વ, વિરાટેશ્વર મહાદેવ મંદિર, અમરકંટક, જ્વાલેશ્વર ધામ, અચાનકમાર ટાઈગર રિઝર્વ, ખુટાઘાટ ડેમ તેમજ રતનપુર મહામાયા મંદિર જેવા પ્રખ્યાત પ્રવાસન અને ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટી સુધરશે અને પ્રવાસનને વેગ મળશે.




