ગાંધીનગર: બુધવારે યોજાયેલ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અનેક મોટા આદેશ કર્યા છે. કેબિનેટ બેઠક (Cabinet Meeting) દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના મહત્વના મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા, પ્રિમોન્સૂન કામગીરી અને સરકારી કામકાજની ગુણવત્તા અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરેક વિભાગમાં અસરકારક સમીક્ષા કરીને તાત્કાલિક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.
આ બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી કે, સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. લોકો અને ખેડૂતોને ઈંધણની અછતનો સામનો ન કરવો પડે તે માટે સતત દેખરેખ રાખવા પણ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું.
આ સાથે વાવેતરની સિઝન નજીક આવતા મુખ્યમંત્રીએ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે અને DAP ખાતરની સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તેની આગોતરી તૈયારી કરવા ભાર મૂક્યો હતો. ખેડૂતોને સમયસર ખાતર અને ઇંધણ મળી રહે તે માટે તંત્રને સક્રિય રીતે આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત પ્રિમોન્સૂન કામગીરીની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદી મોસમ પહેલાં રસ્તા, ડ્રેનેજ અને અન્ય આવશ્યક સુવિધાઓની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે વિભાગોને રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવા આદેશ અપાયા હતા. મુખ્યમંત્રીએ વરસાદ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.




