કોલકાતાઃ હાઈકોર્ટમાંથી પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીને આંચકો લાગ્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષના ત્રીજી જૂનના એ નિર્ણયને રદ કર્યો છે, જેમાં તેમણે તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા.
કોર્ટે વિધાનસભાના અધ્યક્ષને 10 દિવસની અંદર ફરીથી વિચારણા કરવા જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા (LoP) તરીકે કોની નિમણૂક થવી જોઈએ.
ચીફ વ્હિપની નિમણૂક પણ રદ
જસ્ટિસ કૃષ્ણ રાવે વિપક્ષી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના મુખ્ય સચેતક (ચીફ વ્હિપ) તરીકે અખરુજ્જમાનની નિમણૂક પણ રદ કરી છે.
શોભનદેવ ચટ્ટોપાધ્યાયની અરજી પર નિર્ણય
હાઈકોર્ટનો આ નિર્ણય ટીએમસી (મમતા બેનર્જી જૂથ)ના નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાયની અરજી પર આવ્યો છે. તેમણે વિધાનસભાના અધ્યક્ષના એ નિર્ણયને પડકાર્યો હતો, જેમાં તેમણે ટીએમસીના જ એક અલગ જૂથ ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસના નેતા ઋતબ્રત બેનર્જીને વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા.
આ વિવાદ મુખ્યત્વે અધ્યક્ષના એ નિર્ણયને લઈને ઊભો થયો હતો, જેમાં તેમણે શોભનદેવ ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા બનાવવાના અગાઉથી નક્કી થયેલા નિર્ણયને બાજુ પર મૂકી દીધો હતો. ટીએમસી (મમતા જૂથ)નો દાવો છે કે શોભનદેવને વિપક્ષના નેતા બનાવવાનો નિર્ણય અગાઉ જ લેવામાં આવ્યો હતો. જોકે, તેના બદલે અધ્યક્ષે ઋતબ્રતને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા. વિધાનસભા ચૂંટણી બાદ ટીએમસી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. એક જૂથનું નેતૃત્વ ઋતબ્રત બેનર્જી કરી રહ્યા છે અને તેમણે પોતાના જૂથનું નામ ‘ડેમોક્રેટિક તૃણમૂલ કોંગ્રેસ’ રાખ્યું હતું.
શોભનદેવ ચટ્ટોપાધ્યાયે હાઈકોર્ટમાં પડકાર્યો નિર્ણય
શોભનદેવ ચટ્ટોપાધ્યાયના વરિષ્ઠ વકીલ કલ્યાણ બંદોપાધ્યાયે દલીલ કરી હતી કે બેનર્જીની વિપક્ષના નેતા તરીકેની નિમણૂક સંપૂર્ણપણે ગેરકાયદે હતી. તેમણે આ મામલે સ્પીકરની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સ્પીકરે ચટ્ટોપાધ્યાયને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવામાં વિલંબ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે સ્પીકરને અગાઉથી જાણ હતી કે કેટલાક બળવાખોર ધારાસભ્યો અલગ થવાના છે. તેઓ આ જ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા, જેથી ચટ્ટોપાધ્યાયની જગ્યાએ ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે નિયુક્ત કરી શકાય.




