નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવી અરજી પર નોટિસ જારી કરી છે, જેમાં માગ કરવામાં આવી છે કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મિડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર અકાઉન્ટ બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ. અરજીમાં સોશિયલ મિડિયાના ઉપયોગ માટે સુરક્ષાના પગલાની પણ માગ કરવામાં આવી છે. તેમાં માતા-પિતા અથવા કાનૂની વાલી (લીગલ ગાર્ડિયન)ની સંમતિને જરૂરી બનાવવાની માગ કરવામાં આવી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મેટા અને અન્ય સોશિયલ મિડિયા કંપનીઓએ બાળકો માટે અકાઉન્ટ બનાવવાની લઘુતમ ઉંમર 13 વર્ષ નક્કી કરી છે, જે અમેરિકાના કાયદા અનુસાર છે.
અરજીમાં શું કહેવામાં આવ્યું છે?
NGO જસ્ટ રાઈટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક અને સ્નેપચેટ (ઈન્ડિયા) જેવા પ્લેટફોર્મ યુઝર્સને 13 વર્ષની ઉંમરથી અકાઉન્ટ બનાવવાની મંજૂરી આપે છે. બીજી તરફ, ભારતીય કાયદા મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સગીર માનવામાં આવે છે. અરજીમાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (ઈન્ટરમિડિયરી ગાઈડલાઈન્સ અને ડિજિટલ મિડિયા એથિક્સ કોડ) રુલ્સ, 2021માં ફેરફાર કરવા અથવા ખાસ માર્ગદર્શિકા બનાવવાના નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા એવી હોવી જોઈએ કે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ માતા-પિતા અથવા કાનૂની વાલીની સંમતિ વિના 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળક સાથે સોશિયલ મિડિયા સંબંધિત કરાર ન કરી શકે. અથવા આવા કરારને માતા-પિતા અથવા વાલીના વેરિફિકેશન/ઈ-KYCને આધીન બનાવવામાં આવે.
બાળકોને સીધો એક્સેસ આપવા પર સવાલ
આ અરજીમાં એવી માર્ગદર્શિકા બનાવવાની પણ માગ કરવામાં આવી છે, જેના હેઠળ જ્યારે કોઈ સગીરને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે, ત્યારે તે કાયદેસર રીતે માન્ય પ્રક્રિયા મારફતે આપવામાં આવે અને તેમાં માતા-પિતા અથવા કાનૂની વાલીનો સમાવેશ થાય. આ પ્રક્રિયામાં માતા-પિતા અથવા વાલીની વેરિફિકેશન/ઈ-KYC પણ સામેલ હોવી જોઈએ. આ પ્રક્રિયા ડિજિટલ સેવાના સ્વરૂપ અને તેના જોખમને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બાળકોને પોતાની રીતે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાથી તેઓ ઓનલાઈન ગ્રુમિંગ, યૌન શોષણ, માનવ તસ્કરી, બિહેવિયરલ પ્રોફાઇલિંગ, વ્યક્તિગત ડેટાના દુરુપયોગ, સાયબરબુલિંગ અને ઉંમરને અનુરૂપ ન હોય તેવા કન્ટેન્ટ જેવાં જોખમોનો સામનો કરી શકે છે.




