કેપ્ટને વિમાનના એન્જિનનું ફ્યુઅલ બંધ કર્યું હતું:  અમેરિકી રિપોર્ટ

નવી દિલ્હીઃ ગુજરાતના અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના વિમાનના બે પાઇલટ્સની છેલ્લી વાતચીતની કોકપિટ રેકોર્ડિંગ એવી સંભાવના તરફ ઈશારો કરે છે કે કેપ્ટને વિમાનના એન્જિન માટેના ફ્યુઅલનો પ્રવાહ બંધ કરી દીધો હતો. આ માહિતી અમેરિકન મિડિયા વોલ સ્ટ્રીટ જર્નલ  દ્વારા આપવામાં આવી છે.

અહેવાલ અનુસાર બોઈંગ 787 ડ્રીમલાઇનર ચલાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું કે તેમણે રનવે પરથી ઊડાન ભરીને તરત પછી સ્વિચને કટ-ઓફ સ્થિતિમાં શા માટે મૂકી છે. ઓફિસરે ગભરાટ વ્યકત કર્યો હતો, જ્યારે કેપ્ટન શાંત રહ્યા હતા.આ પ્લેન ક્રેશમાં કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદરનાં મોત થયાં હતાં. બંનેને અનુક્રમે 15,638 કલાક અને 3403 કલાકની ઉડાનનો અનુભવ હતો. વોલ સ્ટ્રીટ જર્નલે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે બંને એન્જિનના ફ્યુઅલ કટ-ઓફ સ્વિચ ઉડાન પછીની થોડી જ ક્ષણોમાં એક પછી એક બંધ થયાં હતાં. રિપોર્ટ મુજબ વિમાનના ઉડાન ભરવાથી લઈને દુર્ઘટના સુધીનો સમય માત્ર 32 સેકંડનો હતો.

અહેવાલમાં મામલાની જાણકારી ધરાવતાં સૂત્રોએ અમેરિકન પાઇલટ્સ અને સુરક્ષા નિષ્ણાતોના હવાલા આપતાં જણાવ્યું છે કે રિપોર્ટમાં આપેલી વિગતો દર્શાવે છે કે કેપ્ટને જ આ સ્વિચ બંધ કરી હતી. જોકે રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે આ નિર્ણય ભૂલથી થયો હતો કે ઈરાદાપૂર્વક.

નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડુએ ગયા સપ્તાહે કહ્યું હતું કે આ રિપોર્ટ માત્ર પ્રાથમિક તારણો પર આધારિત છે અને અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી કોઈ નિશ્ચિત નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.