ઓડિશા તટ નજીક 24 ક્રૂ મેમ્બર્સ સાથે માલવાહક જહાજ ડૂબ્યું

બંગાળની ખાડીમાં ઓડિશાના પારાદીપ તટથી આશરે 240 નોટિકલ માઇલ દૂર પનામાનો ધ્વજ ધરાવતું ‘MV Ocean Winner’ નામનું એક માલવાહક (કાર્ગો) જહાજ શનિવારે સંપર્ક તૂટ્યા બાદ સમુદ્રમાં ડૂબી ગયું છે. આ જહાજમાં કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાં 20 ચીની નાગરિકો, મ્યાનમારના 3 નાગરિકો અને બાંગ્લાદેશના 1 નાગરિકનો સમાવેશ થાય છે. ભારતીય કોસ્ટ ગાર્ડે અત્યાર સુધીમાં 2 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે, જ્યારે બાકીના 22 સભ્યોની શોધખોળ ચાલુ છે. ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, જહાજ ડૂબતા પહેલાં ‘MV Ocean Winner’ સાથેનો સંપર્ક તૂટી ગયો હોવાની માહિતી મળી હતી. આ જહાજ શુક્રવારે ઓડિશાના કિનારેથી સિંગાપોર જવા માટે રવાના થયું હતું અને તેમાં આયર્ન ઓર (લોખંડની કાચી ધાતુ) ભરેલો હતો.

સંયુક્ત બચાવ કામગીરી પૂરજોશમાં

જહાજ ડૂબવાની ઘટનાની જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ (Indian Navy) દ્વારા તાત્કાલિક સંયુક્ત સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. દરિયામાં આસપાસના વિસ્તારમાં હાજર અન્ય જહાજોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ગુમ થયેલા ક્રૂ સભ્યોની શોધખોળમાં મદદ કરવા સૂચના આપવામાં આવી છે. રેસ્ક્યૂ ટીમનો મુખ્ય હેતુ બાકીના ગુમ થયેલા 22 સભ્યોને વહેલી તકે શોધી કાઢવાનો છે. આ જહાજ કયા કારણોસર અને કઈ પરિસ્થિતિઓમાં ડૂબ્યું તેની ચોક્કસ માહિતી હજુ સુધી સામે આવી નથી.