જંતર-મંતરમાં ગેટ કૂદીને ઘૂસેલા CJP નેતાઓ સામે FIR દાખલ

દિલ્હીના હાઇપ્રોફાઇલ વિસ્તાર જંતર-મંતર ખાતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને વિરોધ પ્રદર્શન કરવા બદલ દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના પ્રમુખ નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને તેમના અન્ય સાથીઓ વિરુદ્ધ ટ્રેસપાસિંગ (અનધિકૃત પ્રવેશ) નો ગુનો નોંધ્યો છે. સીજેપીના કાર્યકરો અને સમર્થકો સુરક્ષા વાડ અને ગેટ કૂદીને જંતર-મંતર સંકુલમાં દાખલ થઈ ગયા હતા, જે બાદ પોલીસે તાત્કાલિક પગલાં ભરીને તેમની અટકાયત કરી છે. મળેલી માહિતી અનુસાર, અટકાયત કરાયેલા તમામ નેતાઓ અને કાર્યકરોને હાલ દિલ્હીના જાફરપુર કલાં પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.

7 જંતર મંતર લેનમાંથી કર્યો હતો પ્રવેશ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રદર્શનકારીઓએ 7 જંતર મંતર લેન સ્થિત એક બિલ્ડિંગના રસ્તેથી પ્રવેશ કર્યો હતો. આ બિલ્ડિંગમાં કેટલાક ખાનગી મકાનો અને આગળના ભાગમાં જેડીયુ (JDU) નું કાર્યાલય આવેલું છે. સીજેપીના કાર્યકરો આ પરિસરમાં ઘૂસીને ત્યાંથી ગેટ કૂદીને સીધા જંતર-મંતર પ્રદર્શન સ્થળ સુધી પહોંચી ગયા હતા.

CEC ના રાજીનામાની માંગ અને મનાઈ છતાં વિરોધ

મંગળવારે સીજેપીના સમર્થકોએ જંતર-મંતરમાં પ્રવેશીને દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની આકરી માંગ કરી હતી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે દિલ્હી પોલીસ દ્વારા તાજેતરમાં જ જંતર-મંતરને નિર્ધારિત વિરોધ પ્રદર્શન સ્થળ (Protest Site) તરીકેની યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે અને ત્યાં કોઈપણ પ્રકારના ધરણા કે પ્રદર્શન કરવા પર કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં, આદેશોનું ઉલ્લંઘન કરીને વિરોધ કરવા બદલ દિલ્હી પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે.