નવી દિલ્હીઃ વિરોધ પક્ષો દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે શનિવારે જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. બીજી બાજુ, રેલવે બોર્ડના કોચિંગ નિર્દેશાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર 10 ઓક્ટોબરે સવારે ચાર વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશને પહોંચનારી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનો તેમના પ્રારંભિક સ્ટેશનથી જ રદ કરવામાં આવી છે.

સુરક્ષાનાં આ પગલાંની સીધી અસર સામાન્ય જનજીવન પર પડી શકે છે. દિલ્હી મેટ્રોનાં 57 મુખ્ય સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા બંધ કરવાની શક્યતા છે. આ ઉપરાંત, શહેરમાં દારૂની દુકાનો પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હોવાના અહેવાલ છે.
ટ્રેનો રદ કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ 10 ઓક્ટોબરે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હી આવતી ટ્રેનો રદ કરવામાં આવી છે. મેટ્રો સેવાઓ બંધ કરવાની દરખાસ્ત છે અને રાજધાનીમાં ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠને જુલાઈમાં થયેલા CJP વિરોધ પ્રદર્શન સાથે સંબંધિત અન્ય કેસોની સાથે આ મામલે પણ આજે સુનાવણી કરવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે, મેટ્રો સ્ટેશનો બંધ છે, લોકોને હોટલોમાં રહેવાની મંજૂરી આપવામાં આવી રહી નથી અને નિઝામુદ્દીનને બંધ કરી દેવામાં આવ્યું છે. કથિત રીતે રહેવાસી કલ્યાણ સંગઠનો (RWA)ને લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી ન આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. મારા દેશને શું થઈ રહ્યું છે? આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન છે. તેને કેવી રીતે થવા ન દેવામાં આવે?

જંતર-મંતર અને મધ્ય દિલ્હીમાં વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ
પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. અહેવાલ અનુસાર આ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નથી. જંતર-મંતર, લુટિયન્સ દિલ્હી અને સંસદ માર્ગની આસપાસના રસ્તાઓ પર દિલ્હી પોલીસ તથા અર્ધલશ્કરી દળોની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.




